ભારતમાં મ્યાંમાર સરહદેથી મોટા પાયે સોનાની દાણચોરી

ભારતમાં મ્યાંમાર સરહદેથી મોટા પાયે સોનાની દાણચોરી
બન્ને દેશની સરહદે 16 કિ.મી.નો વિસ્તાર દાણચોરી માટે આકર્ષક

પીટીઆઈ
નવી દિલ્હી, તા. 22 : ભારત અને મ્યાંમારની સરહદેથી સોનાની દાણચોરી તાજેતરમાં ખૂબ વધી છે, એમ ઇમ્ફાલ કસ્ટમ્સ વિભાગે જણાવ્યું છે. ભારત અને મ્યાંમારમાં સોનાના ભાવમાં મોટો તફાવત અને ભારતમાં  ઊંચી આયાત જકાતને કારણે એ દેશથી સોનું ગેરકાયદે ઘુસાડવાનું વધ્યું છે.
મણિપુર અને મ્યાંમાર વચ્ચે 398 કિ.મી. આંતરરાષ્ટ્રીય સરહદ છે. મ્યાંમારમાંના નાફલોંગ બજારને અડીને આવેલા મણિપુરની સરહદનું સ્થળ મોરેહ વિવાદાસ્પદ રહ્યું છે. કસ્ટમ્સ વિભાગના અધિકારીને અહીંથી સોનાની દાણચોરી વધી હોવાનું જણાયું છે.
ભારત અને મ્યાંમારની સરહદની બન્ને બાજુએ 16 કિલોમીટરનો વિસ્તાર મુક્ત અવરજવર વાળો છે. બન્ને દેશના લોકો આ વિસ્તારમાં  મુક્ત અવરજવર કરી શકે છે અને તેથી જ દાણચોરી વધી છે.
ગયા વર્ષે માત્ર મણિપુરથી જ રૂા. 40 કરોડનું 133.4 કિ.ગ્રા. સોનું પકડાયું હતું. જ્યારે સમગ્ર ઉત્તર-પૂર્વ વિસ્તારમાંથી રૂા. 84.12 કરોડનાં 267.2 કિ.ગ્રા. સોનું કસ્ટમ્સે પકડયું હતું. કસ્ટમ્સે 2016માં રૂા. 10 કરોડના મૂલ્યનું 16.15 કિલો સોનું જપ્ત કર્યું હતું.
અહેવાલમાં જણાવાયું છે કે પકડાયેલા ગયા વર્ષે કુલ સોનામાંથી 45 ટકા સોનું મણિપુરથી પકડાયું હતું. જપ્ત કરાયેલું સોનું ઘણીવાર રાજ્યમાં પાછું અને દેશના અન્ય વિભાગોમાં ચાલ્યું જાય છે. કેમકે તેનો મૂળ ત્રોત જાણવા મળ્યું નથી.
આ વર્ષે સપ્ટેમ્બર સુધીમાં સોનાની દાણચોરીના 42 કેસ નોંધાયા છે. આમાં 12 કરોડનું સોનું પકડાયું હતું, એમ ઇમ્ફાલ વિભાગના આસિસ્ટન્ટ કમીશનર આર. કે. હરેન્દ્રજિતે કહ્યું હતું.
જેમની સરહદે ધરપકડ કરાઈ છે તેઓ મોટેભાગે ખેપ દીઠ રૂા. 2000ના કમિશન માટે દાણચોરી તરીકે કામ કરતાં હોય છે. આ વર્ષે અૉગસ્ટમાં રૂા. 62 લાખનું મૂલ્ય ધરાવતાં સોનાના 12 બિસ્કિટ સાથે બે વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer