આતંકી હરકતો બંધ કરવા ભારતની પાકને ચેતવણી

રવિવારે ઠાર થયેલા આતંકવાદીઓના મૃતદેહો લઈ જવા જણાવ્યું 
 
નવી દિલ્હી, તા. 22: ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને સરહદ ઉપર પોતાની આતંકી હરકતો બંધ કરવાની આકરા શબ્દોમાં ચેતવણી આપી છે તેમજ ઘૂસણખોરી કરતા ઠાર થયેલા પોતાના લોકોનાં મૃતદેહો લઈ જવા પણ કહ્યું છે. આગામી મંગળવારના રોજ ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે વાતચીત થવાની છે. તેવામાં બેઠક દરમિયાન પાકિસ્તાનની નાપાક હરકતોનો મુદ્દો ઉઠાવવામાં આવશે. 
આ અગાઉ એલઓસી ઉપર આવેલા સુદરબનીમાં ભારતીય સેનાની પેટ્રોલિંગ કરી રહેલી ટુકડી ઉપર પાકિસ્તાની ઘૂસણખોરોએ હુમલો કર્યો હતો. જેનો ભારતે આકરો વિરોધ નોંધાવ્યો છે. આ હુમલો પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે કર્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. જેના કારણે ભારતે બનાવને ગંભીરતાથી લઈને પાકિસ્તાનને પોતાની હરકતો બંધ કરવા કહી દેવામાં આવ્યું છે. સેનાના સૂત્રો મુજબ સત્તાવાર રીતે ભારતીય સેના તરફથી પાકિસ્તાની સેનાને ચેતવણી આપવામાં આવી છે કે તે પોતાની જમીનનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે થતો અટકાવવા કાર્યવાહી હાથ ધરે. આ ઉપરાંત રવિવારે ઠાર થયેલા બે પાકિસ્તાની આતંકવાદીઓનાં મૃતદેહોને લઈ જવા પણ કહેવામાં આવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer