વસઈથી સવારે 9.56ની ચર્ચગેટ મહિલા લોકલ ટ્રેન

સંબંધે રેલવે દ્વારા પાંચ દિવસનો સર્વે શરૂ 
મહિલા પ્રવાસીઓ અને ભાજપનાં નેતા શાયના એનસીની રજૂઆત રંગ લાવી 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : પશ્ચિમ રેલવેની લોકલ ટ્રેનોનું નવું સમયપત્રક પહેલી નવેમ્બરથી અમલમાં આવશે, તેમાં વસઇથી સવારે 9.56 વાગ્યાની ચર્ચગેટ સુધીની મહિલા વિશેષ લોકલ ટ્રેનને રદ કરીને આ ટ્રેનને સવારે 8.44 વાગ્યે વિરારથી ચર્ચગેટ કરવાની રેલવેની હિલચાલ સામે મહિલા પ્રવાસીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ખાસ કરીને વસઇ, નાયગાંવ, ભાઇંદર, મીરા રોડ અને દહિસરના મહિલા પ્રવાસીઓ રેલવેની આ હિલચાલનો જોરદાર વિરોધ કરી રહી છે. હવે તેનું સાનુકૂળ પરિણામ આવશે એવું લાગી રહ્યું છે. આજથી પાંચ દિવસ માટે રેલવેની મહિલા અધિકારીઓની એક ટીમે વિશેષ સર્વે હાથ ધર્યો છે. વિરારથી વસઈ અને બોરીવલી સુધીનાં તમામ સ્ટેશનોએ આ ટ્રેનમાં સવાર થઇને રેલવેની ટીમ સર્વે કરીને અધિકારીઓને અહેવાલ આપશે, ત્યાર બાદ આ ટ્રેન વિષયક આખરી નિર્ણય લેવાશે.
અગાઉ મહિલા પ્રવાસીઓનું પ્રતિનિધિમંડળ ભાજપનાં નેતા શાયના એનસીને સાથે લઇને વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર એ. કે. ગુપ્તાને મળ્યા હતા અને આ ટ્રેન રદ કરાવાથી વસઇથી દહિસર સુધીની આ ટ્રેનમાં નિયમિત પ્રવાસ કરતી હજારો મહિલાઓની થનારી હાલાકીથી વાકેફ કર્યા હતા. ગુપ્તાએ આ પ્રતિનિધિમંડળને વિશેષ સર્વે કર્યા બાદ જ કોઇ નિર્ણય લેવાની ખાતરી આપી હતી અને આજથી રેલવેની ટીમે આ સર્વે શરૂ પણ કરી દીધો છે. 
શાયના એનસીએ જણાવ્યું હતું કે આજે મહિલા અધિકારીની આગેવાની હેઠળની રેલવે ટીમે વસઇથી આ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો અને મહિલા પ્રવાસીઓને મળીને તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. અમે જે રજૂઆત કરી હતી તેનું સાનુકૂળ પરિણામ જલદીથી આવશે એવી અપેક્ષા છે. આજે મહિલા પ્રવાસીઓએ આ અધિકારીઓની ટીમ સાથે સેલ્ફીઓ પણ લીધી હતી, તેમના વિરોધની નોંધ લેવાઇ તેની ખુશી મહિલા પ્રવાસીઓને હતી સાથે જ તેમને અનુકૂળ યોગ્ય નિર્ણય લેવાશે એવી આશા પણ જાગી હોવાનું મહિલા પ્રવાસીઓએ કહ્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer