ગુજરાતમાં 51 તાલુકાનાં 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કરાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.22: રાજ્યમાં 250 મી.મી.થી ઓછો વરસાદ થયો હોય તેવા 51  તાલુકાઓના કુલ 3291 ગામોને અછતગ્રસ્ત જાહેર કરાયા છે. આ અછતગ્રસ્ત તાલુકાઓમાં  કચ્છ જિલ્લાના 10 તાલુકા, બનાસકાંઠાના 9 તાલુકા, પાટણના 8 તાલુકા, સુરેન્દ્રનગરના 7  તાલુકા, અમદાવાદના 3 તાલુકા, મહેસાણાના 4 તાલુકા, મોરબીના 3 તાલુકા, જામનગર- દેવભૂમિ દ્વારકા અને રાજકોટના 2-2 તાલુકા તેમજ ભાવનગરના 1 તાલુકાનો સમાવેશ  કરવામાં આવ્યો છે.
રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં  ઓછો વરસાદ ધરાવતા વિસ્તારોમાં ખેડૂતોને પાક નિષ્ફળ ગયો છે અને પાક ઉત્પાદન પણ ઓછું  થવાની સંભાવના છે ત્યારે રાજ્યસરકારે 51 તાલુકાઓ અછતગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય કર્યો  છે. આ તાલુકાઓમાં ભારત સરકાર અને રાજ્યસરકાર દ્વારા ખેડૂતોને પાક ઉત્પાદન પેટે સહાય  આપવાનો પણ અગત્યનો નિર્ણય કર્યો છે.આ અછત રાહતનો અમલ 1લી ડિસેમ્બર 2018થી  કરવામાં આવશે. આ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો, પશુપાલકો માટે રૂા.3000 કરોડથી વધુ રકમનો ખર્ચ કરવામાં આવશે.
નાયબ મુખ્યપ્રધાને ઉમેર્યુ હતું કે, રાજ્યમાં આ વર્ષે કેટલાક તાલુકાઓમાં  ઓછો વરસાદ થયો છે તેના કારણે ખેડૂતે વાવેતર કર્યુ હતું તેમાંથી ઓછા વરસાદ વાળા  વિસ્તારોમાં વાવાતેરને નુકશાન થયું છે અને કેટલીક જગ્યાએ પાક નિષ્ફળ ગયો છે અને પાકનું  ઉત્પાદન પણ સામાન્ય ધારાધોરણ કરતા ઓછું થાય તેવી સ્થિતિ પેદા થઇ છે. ખેડૂતોને આર્થિક  નુકશાન સહન કરવું પડયું છે ત્યારે રાજ્યના ધારાસભ્યો, ખેડૂત અગ્રણીઓ દ્વારા મુખ્યપ્રધાન  વિજયભાઇ રૂપાણી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી કે, આવા ઓછા વરસાદવાળા  તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરીને ભારત સરકાર અને રાજ્યસરકારના જે લાભો ખેડૂતો  પશુપાલકોને મળવાપાત્ર હોય તે આપવામાં આવે. કૃષિપ્રધાન આર.સી.ફળદુ, મહેસૂલપ્રધાન કૌશિકભાઇ પટેલ સમક્ષ પણ આ પ્રકારની રજૂઆતો મળી હતી તેને ધ્યાને લઇને રાજ્યસરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer