સુરતમાં દુષ્કર્મ કેસના આરોપીને પોલીસ બિહારથી પકડી લાવી

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 : શહેરના લિંબાયત વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરીને નાસી છૂટેલા આરોપી અનિલ યાદવને સુરત શહેર પોલીસ બિહારથી ઝડપી લાવી છે. શહેર પોલીસ કમિશનરે આજે જણાવ્યું હતું કે, આરોપી અનિલ યાદવને બિહારથી ચાર દિવસનાં ટ્રાઝિટ રિમાન્ડ મેળવીને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુરત લવાયો છે. આરોપી અનિલ યાદવે બાળકી સાથે દુષ્કર્મ આચરતા પૂર્વે અશ્લીલ ફિલ્મ જોતો હોવાની કબૂલાત કરી છે.
પોલીસની પકડથી બચવા માટે તેણે સુરતથી સીધા બિહાર ટ્રેન પકડી ન હતી. સુરતથી બિહાર જવા માટે કેટલાક માર્ગ તેણે રોડ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ બકસરની ટ્રેન પકડી હતી. અધમ કૃત્ય આચરનાર અનિલ યાદવ બિહારના ધનસૂરી ગામે તેનાં મિત્રના ઘરે છુપાયો હતો. આરોપીએ બે દિવસથી તેનો મોબાઈલ ફોન બંધ રાખ્યો હતો. પોલીસે આરોપીને પકડવા માટે તેના ફોનને સર્વેલન્સમાં મૂક્યો હતો. આરોપીએ સીમ કાર્ડ બદલી બીજો નંબર નાખતાં જ ટ્રેસ થયો હતો. આરોપીને બિહારમાં તેના ગામમાં દબોચવા માટે પોલીસે બિહાર પોલીસની પણ મદદ લીધી હતી. 
આરોપી અનિલ યાદવ છેલ્લાં સાત વર્ષથી સુરતમાં રહે છે. પહેલાં તે એમ્બ્રોઈડરીના ખાતામાં કામ કરતો હતો. બે મહિના પહેલાં જ આરોપી લિંબાયતમાં રહેવા આવ્યો હતો. જ્યાં મરાઠી પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી હતી. આરોપીએ ગુનો કબૂલી લીધો છે. બાળકી સાથેનાં દુષ્કર્મ કેસમાં પીડિતાઓને ઝડપથી ન્યાય મળે તે માટે ઝડપી ચાર્જશીટ મૂકવામાં આવશે. શહેર પોલીસ કમિશનર શર્માએ કહ્યું હતું કે, આરોપીને કોઈ પણ ધર્મ, ન્યાત-જાત કે પ્રાંત સાથે જોડવો નહિ. આરોપી તો આરોપી જ છે અને તેનાં ગુનાહિત કર્મોની સજા કાયદા મુજબ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer