ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસૈનનો સણસણતો સવાલ

નેતાજી, સરદાર અને બાબાસાહેબના સન્માન સામે કૉંગ્રેસને શા માટે વાંધો?
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 22 : ભાજપે ઇતિહાસને ફરીથી લખવાના પ્રયાસના કૉંગ્રેસના આરોપનો વળતો જવાબ આપતાં એવો સવાલ કર્યો હતો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર પટેલ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરુષોના સન્માન પર વિપક્ષો અને ખાસ કરીને કૉંગ્રેસને વાંધો ક્યાં પડે છે?
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સૈયદ શાહનવાઝ હુસૈને અત્રે જણાવ્યું હતું કે, નેતાજી સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબાસાહેબ આંબેડકર જેવા મહાપુરુષોનું સન્માન થાય તો કૉંગ્રેસે તેનું સ્વાગત કરવું જોઈએ પરંતુ તેને વાંધો પડી રહ્યો છે, શા માટે?
તેમણે જણાવ્યું હતું કે મોદી સરકાર ફરીથી ઇતિહાસ લખવાનો પ્રયાસ કરતી નથી, પરંતુ આ મહાનુભાવો કે જેમને અન્યાય થયો છે અને ભુલાવી દેવામાં આવ્યા છે તેમનું સન્માન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 75 વર્ષમાં પ્રથમવાર અખંડ ભારતની પ્રથમ સરકારને સમારંભમાં સન્માનપૂર્વક યાદ કરવામાં આવી હતી.
કૉંગ્રેસ પર નિશાન સાધતાં હુસૈને જણાવ્યું હતું કે નેતાજીની જેમ સરદાર પટેલ અને બાબાસાહેબ  આંબેડકરને પણ ભુલાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
સ્વતંત્રતા સંગ્રામમાં આરએસએસના યોગદાન સામે કૉંગ્રેસે ઉઠાવેલા સવાલ સામે હુસૈને જણાવ્યું હતું કે, કૉંગ્રેસ માટે તો એક જ પરિવારનું યોગદાન મહત્ત્વ રાખે છે. દેશ સાથે પ્રેમ કરતાં સંગઠનના નાતે આરએસએસે પણ યોગદાન આપ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer