માલ્યા જેવાઓને ફરાર થવામાં મદદરૂપ થવા બદલ જેટલીને બરતરફ કરો : કૉંગ્રેસ

નાણાપ્રધાનની પુત્રીએ ચોક્સીની કંપની પાસેથી રિટેઇનર ફી લીધી હોવાનો પણ આક્ષેપ 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 22 : કૉંગ્રેસે રૂપિયા 90 હજાર કરોડની બૅન્ક છેતરપિંડી માટે અને વિજય માલ્યા જેવા કૌભાંડીઓને દેશ છોડી જવા દેવા માટે નાણાપ્રધાન અરુણ જેટલીને હોદ્દા પરથી પદભ્રષ્ટ કરવાની માગણી કરી હતી અને નીરવ મોદી અને ચોક્સીએ કરેલા ફ્રોડની જાણ પીએમઓ, નાણાં અને કૉર્પોરેટ મંત્રાલય તેમ જ વિવિધ તપાસકર્તા  એજન્સીઓને હતી તો જેટલીની પુત્રીની કાનૂની કંપનીએ ચોકસીની કંપની પાસેથી શા માટે રિટેઇનર ફી સ્વીકારી હતી એવો સવાલ પણ કર્યો હતો.
જેટલીની પુત્રી સોનાલી જેટલી અને જમાઈ જયેશ બક્સીએ ડિસેમ્બર 2017માં ચોક્સીની કંપની પાસેથી રિટેઇનર ફી સ્વીકારી હતી. આને સાઠગાંઠ, ગુનાને પરોક્ષ પ્રોત્સાહન અને હિતોના ટકરાવનો સ્પષ્ટ કેસ ગણતાં કૉંગ્રેસે એવો સવાલ કર્યો હતો કે શા માટે સીબીઆઈ અને અન્ય તપાસકર્તા એજન્સીઓએ પૂછપરછ માટે જેટલી અને તેનાં પુત્રી-જમાઈને શા માટે બોલાવ્યાં નથી?
વડા પ્રધાન મોદી અને જેટલી પર પ્રહાર કરતાં કૉંગ્રેસના નેતા સચીન પાયલોટે જણાવ્યું હતું કે, ભાજપની વર્તમાન સરકારના શાસન હેઠળ રૂપિયા 90 હજાર કરોડના 19,000 બૅન્ક ફ્રોડ કેસ બહાર આવ્યા છે અને ઓછામાં ઓછા 23 બૅન્ક કૌભાંડીઓ સરકારની નજર હેઠળ દેશ છોડીને ભાગી ગયા છે અને તેમણે દેશની તિજોરીને રૂપિયા 53,000 કરોડનો ચૂનો ચોપડી દીધો છે. વિજય માલ્યા, લલિત મોદી, નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્યો ફરાર થઈ જતાં એવું લાગી રહ્યું છે કે મોદી સરકાર લોકોનાં નાણાંની રખેવાળ રહી નથી, પરંતુ બૅન્ક કૌભાંડીઓને ભગાડવામાં મદદ કરતી ટ્રાવેલ એજન્સી બની ગઈ છે, એમ પાયલોટે અત્રે મીડિયા સમક્ષ કહ્યું હતું.
મોદી અને જેટલી હવે વધુ સમય સુધી મૌન રહી શકે નહીં. તેઓ તેમના કુકર્મો માટે વિપક્ષ પર આંગળી ચીંધી શકે નહીં. આ સરકાર ભ્રષ્ટાચારમાં લીન છે પછી એ રફાલ સોદો હોય, એનપીએ હોય કે માલ્યા જેવા લોકો ફરાર થઈ ગયા હોય.
મોદી અને જેટલી સત્તાવાર રીતે આ કૌભાંડકારીઓને મદદ કરી રહ્યા છે. રાજકીય રીતે સુરક્ષા આપી રહ્યા છે અને ભાગવામાં મદદ કરી રહ્યા છે, એમ પાયલોટે વધુમાં જણાવ્યું હતું. પાયલોટે જેટલીની તત્કાળ હકાલપટ્ટીની અને સ્વતંત્ર તપાસની માગણી કરી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer