મરીન ડ્રાઈવથી મળેલો મૃતદેહ લાપતા હર્ષદ ઠક્કરનો છે કે નહીં

મરીન ડ્રાઈવથી મળેલો મૃતદેહ લાપતા હર્ષદ ઠક્કરનો છે કે નહીં
તેની ખાતરી કરવા પોલીસે તેની માતાના બ્લડ સેમ્પલ લીધા 
બન્નેના ડીએનએ મૅચ કરવા સેમ્પલ્સને કાલિનાની ફોરેન્સિક લૅબમાં મોકલી અપાયા
મુંબઈ, તા. 22 : આશાપુરા ઇન્ટિમેટ્સ ફેશન લિમિટેડના ગુમ થઈ ગયેલા ચૅરમૅન અને મેનેજિંગ ડાયરેક્ટર હર્ષદ ઠક્કરને શોધવા પોલીસે ભારે ચક્રો ગતિમાન કર્યાં હોવા છતાં તેમનું કોઈ પગેરું મળ્યું નથી ત્યારે પોલીસ હવે 7મી અૉક્ટોબરના રોજ મરીન ડ્રાઈવ ખાતેથી મળી આવેલી એક અજાણ્યા શખસની લાશ ઠક્કરની છે કે બીજા કોઈની તે માટે ડીએનએ ટેસ્ટની મદદ લઈ રહી છે. જોકે, લાશ અડધી સડી ગયેલી સ્થિતિમાં હોવાથી ઠક્કરના કુટુંબીઓ તે ઓળખી શક્યા ન હતા. દરમિયાન પોલીસે ઠક્કરના કુટુંબીઓ અને ઠક્કરના ડીએનએ સેમ્પલ્સ ફોરેન્સિક પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. 
પોલીસના જણાવ્યા પ્રમાણે 7મી અૉક્ટોબરે મરીન ડ્રાઈવના દરિયા કિનારેથી તેઓએ એક મૃતદેહને તાબામાં લીધો હતો. પરંતુ મૃતક પાસેથી તેની ઓળખ મળે એવી કોઇ ચીજવસ્તુઓ જેવી કે પાકિટ, મોબાઈલ કે કોઈ દસ્તાવેજ વગેરે મળ્યાં  નહીં. પોલીસે આકસ્મિક મરણની નોંધ લઈ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ હવે ફોરેન્સિક પૃથ્થકરણનો શું અહેવાલ આવે છે તેની પ્રતીક્ષા કરી રહી છે.
માત્ર 39 વર્ષની યુવાન વયમાં ગાર્મેંટ ઉત્પાદન ક્ષેત્રે મજબૂત પગદંડો જમાવનાર હર્ષદ ઠક્કર 20 દિવસથી લાપતા થયા પછી કોઈ ખબર મળ્યા નથી.
આશાપુરા ઇન્ટામેટ્સ ફૅશન લિ.ના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ ઠક્કરનાં પત્ની દર્શના ઠક્કર ફૅશન ડિઝાઇનર છે અને તેમણે કંપનીનો વહીવટ સંભાળી લીધો હોવાનું ગાર્મેન્ટ માર્કેટમાંથી જાણવા મળ્યું છે.
કંપનીના શૅરોમાં સતત ઘટાડો થતો હોવાથી તેનો આઘાત તેમને લાગ્યો હતો અને તેમણે એક નોંધમાં શૅરહોલ્ડરોની માફી માગી હતી અને શૅરના ભાવ ઘટવા માટે હરીફોએ સ્ટૉક માર્કેટમાં ગેરરીતિ કરી હોવાનું દોષારોપણ તેમણે કર્યું હતું.
બીજી તરફ બજારમાંથી જાણવા મળે છે તે પ્રમાણે કોઇકે કંપનીને ખરીદવા માટે અૉફર મોકલી હતી પરંતુ કંપનીનો વહીવટ સંભાળનારાઓએ અૉફર નકારી દીધી હતી. કંપનીની વેલેન્ટાઇન બ્રાન્ડના 25થી વધુ ફ્રેન્ચાઇઝી સ્ટોર મુંબઈ અને અન્યત્ર છે. તેઓ કચ્છમાં જખૌના મૂળ વતની છે.
હર્ષદ ઠક્કરની મુખ્ય અૉફિસ દાદરમાં છે. જ્યાં તેઓ બીજી અૉક્ટોબર પછી દેખાયા નથી. પરિવારે આઠમી અૉક્ટોબરના તેમના લાપતા થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer