દિવાળી પછી મુંબઈમાં પાણીકાપની શક્યતા

દિવાળી પછી મુંબઈમાં પાણીકાપની શક્યતા
મુંબઈ, તા.22 : મુંબઈગરાઓને હાલમાં રોજનો 3800 લાખ લિટર પાણીનો નિયમિત પુરવઠો આપવામાં આવે છે, પરંતુ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જળાશયોમાં પાણીનો કુલ જથ્થો ઓછો હોવાથી દિવાળી બાદ મહાપાલિકા પાણી કાપ લાદે એવી શક્યતા છે. 
પાલિકા પ્રશાસને શહેરમાં અઘોષિત પાણી કાપ લાદ્યો હોવાનો આક્ષેપ તમામ પાર્ટીના નગરસેવકો કરી રહ્યાં છે, પરંતુ ચોમાસામાં કેટલાંક જળાશયો છલકી ગયા બાદ અતિરિક્ત પાણી મુંબઈમાં અપાતું હતું, અત્યાર સુધી શહેરમાં રોજ 380 મિલિયન લિટર નિયમિત પાણીને 395 મિલિયન લિટર પાણી આપવામાં આવતું હોવાનું અધિકારીઓનું કહેવું છે. જોકે, પહેલી અૉક્ટોબરે ચોમાસાની વિદાય બાદ આ વધારાનું 15 મિલિયન લિટર પાણી આપવાનું બંધ કરાયું હતું.
અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, વિહાર, તુલસી, ભાતસા અને મધ્ય વૈતરણા મળી સાત જળાશયોમાંથી મુંબઈને વર્ષભર પાણી આપવામાં આવે છે. આ વર્ષે આ તમામ જળાશયોમાં મળીને 19 અૉક્ટોબર સુધી 1,23,362 મિલિયન લિટર પાણી સંગ્રહાયેલું છે, ગયા વર્ષે 19 અૉક્ટોબરે તમામ જળાશયોમાં મળીને 1,43,802 મિલિયન લિટર પાણી સંગ્રહાયેલું હતું. આમ આ વર્ષે ચોમાસાની વિદાય સાથે જળાશયોમાં ગયા વર્ષની તુલનાએ 20,000 મિલિયન લિટર પાણી ઓછું છે. એનો અર્થ એ થયો કે મુંબઈને 50થી 52 દિવસ માટે પાણી આપવાનો પુરવઠો ઓછો છે. તેથી પાણી કાપ અનિવાર્ય બનશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer