ભાજપે શિવસેનાને આપ્યું અલ્ટિમેટમ

ભાજપે શિવસેનાને આપ્યું અલ્ટિમેટમ
ચૂંટણી જોડાણ સંબંધે તમે જલદી નિર્ણય નહીં લો તો અમે એકલે હાથે ઈલેકશન લડીશું 
મુંબઈ, તા. 22 : કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એનસીપી) વચ્ચે યુતિ બાબતે વાટાઘાટો શરૂ થયાના પગલે ભાજપ અને શિવસેના વચ્ચે પણ યુતિ બાબતે ત્વરિત નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું છે. લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી માટે યુતિ કરવી છે કે સામસામે લડી લેવું છે એનો જલદીથી નિર્ણય લેવાનું આખરીનામું ભાજપે શિવસેનાને આપ્યું હોવાની માહિતીથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ તેજ થઇ ગઇ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારમાં સાથે રહીને પણ ભાજપ વડપણ હેઠળની રાજ્ય અને કેન્દ્ર સરકારની સતત ટીકા કરી રહેલી શિવસેનાને ઊંઘતી ઝડપી લેવાની યોજનાના ભાગરૂપે ભાજપે શિવસેનાને આખરીનામું આપી દીધું છે. ભાજપે શિવસેનાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આવતા વર્ષે થનારી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે યુતિ કરવી છે કે નહીં તેનો નિર્ણય સત્વરે જાહેર કરો. 
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિવસેનામાં ભાજપના આ અલ્ટિમેટમ બાદ શિવસેનાના નેતાઓએ આ બાબતે ગંભીરતાથી વિચારણા કરવાનો મત વ્યક્ત કર્યો છે. જો યુતિનો નિર્ણય નહીં થાય તો ભાજપ લોકસભાની સાથે જ વિધાનસભાની ચૂંટણી કરાવવાનો દાવ રમી શકે છે, એવું દબાણ પણ શિવસેના પર ઊભું કરાયું હોવાનું મનાઇ રહ્યું છે.
ભાજપ તરફથી આવું કોઇ અલ્ટિમેટમ આવ્યું હોવાની વાતનો શિવસેનાએ ઇનકાર કર્યો છે અને ભાજપ તરફથી પ્રવીણ દરેકરે કહ્યું હતું કે યુતિનો નિર્ણય પક્ષના મોવડીઓ દ્વારા લેવાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer