રાહુલ વડા પ્રધાનપદનાં ઉમેદવાર નહીં : ચિદમ્બરમ

રાહુલ વડા પ્રધાનપદનાં ઉમેદવાર નહીં : ચિદમ્બરમ
મહાગઠબંધનના માર્ગમાં અડચણોની આશંકાએ પાણી પહેલાં પાળ બાંધતી કૉંગ્રેસ 
નવીદિલ્હી, તા.22: આગામી લોકસભા ચૂંટણી આડે હવે છ માસ જેટલો સમય બચ્યો છે ત્યારે પણ કોંગ્રેસ માટે એક સવાલ વણઉકેલ કોયડા સમાન જ રહ્યો છે. આ પ્રશ્ન છે વડાપ્રધાન પદની ઉમેદવારીનો. આ મુદ્દે અવારનવાર કોંગ્રેસ અસમંજસમાં હોવાનું ઉપસી આવે છે. ક્યારેક રાહુલ ગાંધી જ વડાપ્રધાન પદનાં ઉમેદવાર બનશે એવું લાગે છે તો ક્યારેક તેનાથી સદંતર વિપરિત ઘાટ ઘડાય છે. જેમાં આજે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે 2019ની ચૂંટણીમાં રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર ઘોષિત કરવામાં આવશે નહીં.
જો કે ચિદમ્બરમે સાથોસાથ એવી સ્પષ્ટતા પણ આપી હતી કે કોંગ્રેસ માત્ર રાહુલ નહીં પણ કોઈનાં નામને વડાપ્રધાન પદનાં ઉમેદવાર તરીકે જાહેર કરવાનો નથી. તેમણે આગળ કહ્યું હતું કે છેલ્લા બે દાયકામાં રાષ્ટ્રીય પક્ષોની મતબેન્કમાં ઘૂસીને પ્રાદેશિક પક્ષો મજબૂત બન્યા છે. ભાજપ અને કોંગ્રેસની કુલ મત હિસ્સેદારી પ0 ટકાથી ઓછી છે. ભાજપ સરકાર કોઈપણ પ્રાદેશિક પક્ષ કોંગ્રેસ સાથે હાથ ન મિલાવે તે માટેનાં પૂરા પ્રયાસો કરશે. જ્યારે કોંગ્રેસ ભાજપને સત્તા બહાર કરવાં માગે છે. તેનાં સ્થાને એવી સરકાર દેશમાં બનાવવા માગે છે જે પ્રગતિશીલ હોય.
અત્રે એ પણ નોંધનીય છે કે ચિદમ્બરમ પક્ષનાં વરિષ્ઠતમ નેતાઓ પૈકી અને રાહુલે બનાવેલી કાર્યકારી સમિતિનાં સદસ્ય પણ છે. એટલે તેમનાં આ નિવેદન ઉપરથી કહી શકાય કે આ નિર્ણય વિશે કોંગ્રેસમાં સહમતી છે. તેમનાં આ નિવેદનને અંગત અભિપ્રાય માની શકાય નહીં. 
જો કે આનાથી કોંગ્રેસની અવઢવ પણ છતી થઈ જાય છે. એકબાજુ પક્ષની નવરચિત કારોબારી સમિતિમાં એવો નિર્ણય લેવામાં આવે છે કે રાહુલ જ વડાપ્રધાન પદનાં ઉમેદવાર બનશે અને બીજીબાજુ પક્ષ પોતાની રણનીતિ બદલી રહ્યો હોય તેવું ચિત્ર પણ સામે આવતું રહે છે. 
આ વિશે કોંગ્રેસનાં અન્ય વરિષ્ઠ નેતા સલમાન ખુરશીદનું નિવેદન મહત્ત્વનું બની જાય છે. તેઓ કહે છે કે એકલા ચૂંટણી જીતવી કોંગ્રેસ માટે મુશ્કેલ છે. માટે મહાગઠબંધનનાં માર્ગમાં કોઈ મોટો અવરોધ ન સર્જાય તે માટે જ કદાચ કોંગ્રેસ હવે વડાપ્રધાન પદની ઉમેદવારી વિશે સ્પષ્ટતા કરવાં લાગ્યો છે. રાહુલની દાવેદારી વિશે તૃણમૂલ કોંગ્રેસનાં મમતા બેનરજી કોઈ  પ્રતિક્રિયા આપતાં નથી. બસપા તો માયાવતીને જ પોતાનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર ગણાવે છે. સપા પણ ગઠબંધનનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર વિશે શંકાકુશંકા દેખાડી ચૂક્યો છે. માટે જ કદાચ કોંગ્રેસ હવે આ નિર્ણય ઉપર આવ્યો હોય તેવું સમજી શકાય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer