સીબીઆઈના ગજગ્રાહમાં વડા પ્રધાનનો હસ્તક્ષેપ

સીબીઆઈના ગજગ્રાહમાં વડા પ્રધાનનો હસ્તક્ષેપ
ટોચના બન્ને અધિકારીઓને તેડું : અસ્થાના સામે મંજૂરી વિના કેસ નોંધાયો? 
નવી દિલ્હી, તા.22: દેશની સર્વોચ્ચ અને કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈમાં પ્રબળ આંતરિક ખેંચતાણમાં હવે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરમિયાનગીરી કરી છે. તેમણે સીબીઆઈનાં બન્ને શીર્ષ અધિકારીઓને તેડાવ્યા છે. સીબીઆઈ દ્વારા પોતાના જ બીજા ક્રમનાં અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધી દેવાયા બાદ વડાપ્રધાને આ કરવું પડયું છે. ઉલ્લેખનીય છે કે અસ્થાનાએ પોતાના જ ઉપરી સીબીઆઈ વડા આલોક વર્મા વિરુદ્ધ ફરિયાદો કરતાં કાગળો સરકારને લખ્યા હતાં.
કોંગ્રેસનાં અધ્યક્ષ રાહુલ ગાંધીએ સીબીઆઈને રાજકીય પ્રતિશોધનું સાધન બનાવી દેવાયાનો આક્ષેપ કર્યા બાદ સીબીઆઈનું આ ચકચારી પ્રકરણ રાજકીય વળાંક લઈ ગયું છે. બીજીબાજુ વડાપ્રધાન કાર્યાલયનાં સૂત્રો પાસેનાં હવાલેથી મળેલા અહેવાલ અનુસાર પોતાનાં જ ઉચ્ચ અધિકારી સામે આવો કોઈ કેસ દાખલ કરવો હોય તો સીબીઆઈ માટે તેની પરવાનગી લેવી આવશ્યક છે. જે અસ્થાનાનાં મામલામાં મેળવવામાં આવી ન હતી. 
દરમિયાન સીબીઆઈ દ્વારા અસ્થાના અને દેવેન્દ્ર કુમારની સાથે કામ કરતાં એક અધિકારીની પણ આજે ધરપકડ કરવામાં આવી હતી. અસ્થાના સામે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે હૈદરાબાદનાં વેપારી સતીશ સનાનાં દાવા આધારિત છે. જેની સામે માંસ નિકાસકાર મોઈન કુરેશીનાં કેસ સબબ તપાસ ચાલી રહી હતી. સનાનો આક્ષેપ છે કે અસ્થાનાને પાંચ કરોડ રૂપિયા આપવાનું તેને કહેવામાં આવેલું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer