વિદેશમાં ભારતીયોનાં કાળાં નાણાં સામે આવકવેરા વિભાગનું અભિયાન

વિદેશમાં ભારતીયોનાં કાળાં નાણાં સામે આવકવેરા વિભાગનું અભિયાન
અનેકને નોટિસો ફટકારાઈ અને લેવડદેવડની માહિતી મગાઈ 
નવી દિલ્હી, તા. 22 : વિદેશોમાં કાળાં નાણાં રાખનાર ભારતના આર્થિક અપરાધીઓ પર ત્રાટકવાની તૈયારી સાથે આવકવેરા વિભાગે ભારતીયો દ્વારા વિદેશોમાં જમા કરાયેલા નાણાં તેમજ સંપત્તિઓના મામલાઓમાં કડક કાર્યવાહી કરવાનું અભિયાન છેડયું છે.
એટલું જ નહીં, પરંતુ આવા આર્થિક અપરાધીઓના મામલાઓમાં આકરાં પગલાં લઈ શકાય, તેવા હેતુ સાથે આવકવેરા તંત્ર નવા કાળાં નાણાં વિરોધી કાયદાની મદદ લેવાની કવાયત પણ કરી રહ્યું છે, તેવું અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.
વિદેશોમાં સમકક્ષ એજન્સીઓ સાથે સંકલન સાધીને ભારતીય આવકવેરા વિભાગે હજારો ભારતીયોની વિદેશોમાં જમા ગેરકાનૂની બેન્ક થાપણો તેમજ સંપત્તિઓની ખરીદીની તપાસ કરી રહ્યા છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)ના અધ્યક્ષ સુશીલ ચન્દ્રાએ વિદેશોમાં કાળાં નાણાંના મામલાઓમાં કાર્યવાહીના અભિયાનના સમાચારને સમર્થન તો આપ્યું હતું પરંતુ તેના સંદર્ભમાં વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું.
ખાસ જાણવા જેવી બાબત તો એ છે કે આવા આર્થિક અપરાધના કેસોમાં મોટી સંખ્યામાં દેશના હાઈપ્રોફાઈલ, મોટાં માથાઓની સંડોવણી છે, તેમના પર તંત્રની સતત નજર છે, તેવું આવકવેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક મામલામાં વ્યક્તિગત આધાર પર નોટિસો ફટકારાઈ છે તો કેટલાક મામલામાં કરદાતા પાસેથી લેવડદેવડ અંગેની વિસ્તૃત જાણકારી માગવામાં આવી છે.
આવકવેરા તંત્રના આ અભિયાન સાથે સતત સક્રિયપણે જોડાયેલા ટોચના અધિકારીઓએ એવું પણ સ્પષ્ટ કર્યું હતું કે, કાળાં નાણાં વિરોધી કાયદા તળે એ જ લોકોને અપરાધના કેસની કાર્યવાહીનો સામનો કરવો પડશે જેમણે તેમની વિદેશી સંપત્તિ અને નાણાં આવકવેરા રિટર્નમાં બતાવ્યા નથી.
સરકાર કાળાં નાણાં અને વેરા અધિનિયમનો કાયદો 2015માં લાવી હતી. નવો કાયદો વિદેશમાં ભારતીયોની ગેરકાનૂની સંપત્તિના મામલાઓમાં અપરાધી સામે કડક કાર્યવાહી કરવાની સત્તા આપે છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ આ પ્રકારના મામલાઓમાં કરાતી કાર્યવાહી આવકવેરાના 1961ના કાયદાના દાયરામાં આવતી હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer