અૉક્ટોબરથી મહારાષ્ટ્રમાં દૂધ ઉત્પાદનમાં રોજના સાત લાખ લિટરનો ચિંતાજનક ઘટાડો

દુકાળના ડાકલાં વાગ્યા?
મુંબઈ, તા.23 : રાજ્યમાં દુકાળની અસર દૂધ ઉત્પાદન પર વર્તાવા માંડી છે અને રોજનું સાત લાખ લિટર દૂધ ઉત્પાદન ઘટયું છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ વધુ ખરાબ થવાની શક્યતા છે. મહારાષ્ટ્રના ડેરી કમિશનર રાજીવ જાધવના જણાવ્યા પ્રમાણે જૂન અને જુલાઇમાં ચોમાસા દરમિયાન મહારાષ્ટ્રની તમામ ડેરીઓમાં મળીને રોજનું 120 લાખ લિટર દૂધ એકત્ર થયું હતું અને સપ્ટેમ્બરમાં રાજ્યભરમાંથી મળીને રોજ 123 લાખ લિટર દૂધ ડેરીઓમાં એકત્ર થયું હતું. પરંતુ અૉક્ટોબરથી રોજ  એકત્ર થતાં દૂધમાં અચાનક ઘટાડો નોંધાયો છે, જે દુકાળની પરિસ્થિતિના કારણે હોવાનું જણાઇ રહ્યું છે. જોકે, આ પ્રાથમિક અનુમાન છે પરંતુ દૂધ ઉત્પાદનમાં અચાનક ઘટાડો થઇ રહ્યો છે જે ચિંતાનો અને તપાસનો વિષય છે. યોગ્ય તપાસ બાદ તેના ઉપાયો પણ વિચારવામાં આવશે.
ડેરી કમિશનરના જણાવ્યા પ્રમાણે અૉક્ટોબરથી ડિસેમ્બર સુધી દૂધ ઉત્પાદનમાં વધારો થવો જોઇએ તેના બદલે ઘટાડો નોંધાઇ રહ્યો છે, તે ચોંકાવનારી વાત છે. હાલમાં દૂધનો જે જથ્થો ઉપલબ્ધ છે તે કોર્પોરેટ અને ખાનગી ડેરીઓનો છે અને ડેરીઓને દૂધનો મોટા ભાગનો પુરવઠો નાશિક, અહમદનગર, પુણે અને કોલ્હાપુર જિલ્લાઓમાંથી મળે છે. 
વર્ષ 2012ની ગણતરી પ્રમાણે મહારાષ્ટ્રમાં કુલ દૂધાળાં પશુઓની સંખ્યા ત્રણ કરોડ હતી જેમાં 1.55 ગાય, પંચાવન લાખ ભેંસ અને બાકીની એકાદ કરોડ ઘેટાં અને બકરીઓની હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer