મેટ્રો કૉરિડોરની આસપાસ ગગનચુંબી ઇમારતો અને આધુનિક સંકુલોની યોજના

મુંબઈ, તા.23 : મુંબઈના પ્રસ્તાવિત મેટ્રો કૉરિડોરની આસપાસ બહુચર્ચિત અને વિવાદિત ગગનચુંબી ઇમારતો અને અત્યાધુનિક વિકાસની યોજના ફરી ચર્ચામાં આવી છે. અંધેરીથી દહિસર સુધીના મેટ્રો રૂટની આસપાસના વિસ્તારોમાં આવા ટ્રાન્ઝિટ-ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી)ના અમલ માટેનો અભ્યાસ મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)એ શરૂ કર્યો છે. 
ટીઓડી એટલે શહેરોમાં મેટ્રો જેવી જાહેર પરિવહન સેવાના રૂટની આસપાસના વિસ્તારોમાં લોકો સરળતાથી ચાલીને પહોંચી શકે એવા રહેવાસી અને વ્યવસાયી કોમ્પલેક્ષો તેમ જ મનોરંજન ધામો સહિતનો વિકાસ. જોકે, કેટલાક નિષ્ણાતો અને એક્ટિવિસ્ટોનું કહેવું છે કે ગીચ અને સાંકડા વિસ્તારોમાં ટીઓડીના અમલથી વધુ હાલાકી ઊભી થશે. રાજ્ય સરકારે સપ્ટેમ્બરમાં ડેવલપમેન્ટ કન્ટ્રોલ એન્ડ પ્રમોશન રેગ્યુલેશન (ડીસીપીઆર) 2034ને મંજૂરી આપી તેમાં ટીઓડીને વેગળો રાખીને તેના માટે અલગથી નીતિ તૈયાર કરવાની ગણતરી રાખી હતી. હવે આ અભ્યાસ થયા બાદ મેટ્રો રૂટ્સની આસપાસના વિસ્તારોના વિકાસ માટે નવી નીતિ પણ તૈયાર કરાશે. 
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મેટ્રો સાતના રૂટનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે અને વર્ષ 2019ના અંત સુધીમાં આ મેટ્રો લાઇનનું લોકાર્પણ થઇ જવાની શક્યતા જોઇને ટીઓડી માટે પહેલા આ મેટ્રો રૂટને પસંદ કરાયો છે.
અંધેરી અને દહિસર વચ્ચેની આ પ્રસ્તાવિત મેટ્રો લાઇન પસાર થવાની છે એ પરાં વિસ્તારોમાં હાલમાં વિકાસ યોજનાઓ માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઇ) માટે કોઇ વેગળી નીતિ નથી પરંતુ ટીઓડીને પ્રોત્સાહિત કરવા આ વિસ્તારોમાં પાંચની એફએસઆઇનો પ્રસ્તાવ આવી શકે છે. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer