કંપનીને બચાવવા હર્ષદ ઠક્કરે પોતાના નાણાં પણ ઠાલવ્યાં હતાં

મુંબઈ, તા. 23 : આશાપુરા ઇન્ટિમેટસ પ્રા.લિ.ના ચૅરમૅન મેનેજિંગ ડિરેક્ટર હર્ષદ ઠક્કરે જે ત્રણ સપ્તાહથી લાપતા છે તેમણે સપ્ટેમ્બરમાં જ્યારે શૅરબજાર તૂટવા લાગ્યું ત્યારે કંપનીના શૅર્સના ભાવને જાળવવા પોતાનાં નાણાં તેમાં રોકવાનું શરૂ કર્યું હતું. ઉપરાંત પોતાનું ઘર અને મિલકતો પણ ગીરવે મૂકી શૅર્સના ભાવ જાળવવાના પ્રયાસ કર્યા હતા, એમ કંપનીના કર્મચારીઓ તેમ જ ટોચના હોદ્દેદારોએ જણાવ્યું હતું.
જ્યારે બજાર સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગબડયું ત્યારે કંપની માટે ભારે કટોકટી જેવી સ્થિતિ સર્જાતી જણાઈ કારણ કે શૅર્સના ભાવ ખાસ્સા તૂટી ગયા હતા. શૅરોમાં જ્યાં શૅરદીઠ રૂા. 400ના ભાવે સોદા પડતા હતા ત્યાં તે શૅર્સ તૂટીને રૂા. 300ની ભાવ સપાટીએ ઊતરી ગયા હતા અને હજી પણ ઘટાડાત્મક ઝોક ચાલુ હતો. આથી ભાવ સપાટી પુન: બનાવવા તેમણે પોતાનાં નાણાં ઠાલવવાનું શરૂ કર્યું હતું પણ કંપની માટે તેનું ધાર્યું પરિણામ આવતું જણાયું નહોતું. તેના બદલે અન્ય હરીફો તથા બજારના અન્ય ખેલાડીઓ તેમને નીચા ખેંચવાના પ્રયાસ કરતા જણાયા હતા. આથી વ્યક્તિગત રીતે તેઓને મોટી ખોટ સહન કરવાનું આવ્યું એમ કહી શકાય. તેમણે પરિસ્થિતિ સંભાળવા અનેક પ્રયાસો કર્યા, જેની જાણ ડિરેક્ટર બોર્ડને પણ નહોતી.
પોલીસની તપાસ મુજબ બીજી અૉક્ટોબરે જાહેર રજા છતાં ઠક્કર તેની દાદરની અૉફિસે આવ્યા હતા જ્યાં તેઓ કેટલાક ખાસ કર્મચારીઓને મળવા માગતા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer