હીરાના કારીગરોને દિવાળીનું મોટું વૅકેશન

ચલણ નબળાઈ, મંદ માગ અને બૅન્કનાં ચુસ્ત ધિરાણ
કોલકાતા, તા. 23 : હીરાના વેપારમાં અને ખાસ તો સુરતના કટિંગ અને પૉલિશીંગ એકમોમાંના કારીગરોને જાણે દિવાળીની રજાઓ વહેલી શરૂ થઈ ગઈ હોય એવું ચિત્ર ઊપસ્યું છે. એશિયાઈ ચલણમાં ઘસારો અને વિદેશની બજારોની નરમ માગને કારણે બૅન્કોનાં ધિરાણ સ્થગિત જેવાં થઈ ગયાં છે. સામાન્ય રીતે સુરતમાં હીરાના કારખાનાઓમાં દિવાળીનું મહિનાનું વૅકેશન હોય છે, પણ માગમાં નરમાઈને કારણે નાના કદના હીરાના ભાવ એક મહિનામાં સાતથી આઠ ટકા ઘટયા છે.
નાના અને મધ્યમ કદના એકમોનું વૅકેશન લંબાવતા નફાકારકતા જળવાઈ રહેશે. તેની સામે મોટી કંપનીઓએ ઉત્પાદન પ્રવૃત્તિ જારી રાખવાની છે. આ સાથે બૅન્ક દરેક વ્યવહારની હિસાબી છણાવટ કરી હોવાથી હીરાના વેપારમાં તરલતાની કટોકટી જોવા મળી રહી છે. આથી બૅન્ક પાસેથી ભંડોળ મેળવવું મુશ્કેલ બની ગયું છે.
દરમિયાન અસ્થિરતાના પગલે રફ હીરાની આયાત પર અસર જણાય છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં રફ હીરાની આયાત વૉલ્યુમના સંદર્ભમાં ગયા વર્ષની તુલનાએ 7.03 ટકા ઘટીને 846.52 લાખ કૅરેટ થઈ હતી. તો ચાલુ નાણાકીય વર્ષમાં  એપ્રિલથી સપ્ટે.ના ગાળાની તુલનાએ ઝવેરાતની નિકાસ 2.49 ટકા ઘટી હતી. વિશ્વ હૂંડિયામણ બજારમાં યુઆન અને રૂપિયો બંને ડૉલર સામે ઘટયો હોવાથી હીરાના વેપારીઓ સાવધાનીથી વેપાર કરી રહ્યા છે. જેમાં વિશેષ તો નાણાકીય બજારમાં કડાકો થતાં સેન્ટીમેન્ટ નરમ પડી ગયાં છે.
જોકે, દિવાળી નજીક આવતાં અને પછી માથે નાતાલના તહેવાર જોતાં માગ વેગ પકડે એવી આશા રખાય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer