ગુજરાત જતી ટ્રેનો માટે જોગેશ્વરીમાં ટર્મિનસ બનશે

ગુજરાત જતી ટ્રેનો માટે જોગેશ્વરીમાં ટર્મિનસ બનશે
મુંબઈ, તા. 23 : પશ્ચિમ રેલવેએ ખાસ કરીને ગુજરાત તરફ જતી-આવતી લાંબા અંતરની ટ્રેનોના નિયમન માટે જોગેશ્વરીમાં ટર્મિનસની યોજના વિચારી છે. હાલમાં મુંબઈ સેન્ટ્રલ અને બાંદરા ખાતે પશ્ચિમ રેલવેનાં ટર્મિનસ છે પરંતુ જોગેશ્વરીમાં નવું ટર્મિનસ બને તો આ બંને ટર્મિનસમાંથી લાંબા અંતરની અન્ય ટ્રેનોની આવ-જા સરળ થઇ શકે ઉપરાંત ચર્ચગેટથી બાંદરા સુધી લોકલ ટ્રેનોના ફાસ્ટ ટ્રેક પર પણ બહાર ગામની ટ્રેનોનો ટ્રાફિક ઘટાડી શકાય.
હાલમાં પશ્ચિમ રેલવેની રોજની 103 લાંબા અંતરની ટ્રેનો મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાંથી પસાર થાય છે, જેમાંથી 43 તો મુંબઈના બાંદરા કે મુંબઈ સેન્ટ્રલ ખાતેથી જ પ્રસ્થાન કરે છે અને વળતી દિશામાં વીરમે છે. રેલવેએ વસઇ રોડ ખાતે નવું ટર્મિનસની યોજના કરી છે પરંતુ જોગેશ્વરીમાં ઉપલબ્ધ જમીન પર ખાસ કરીને ગુજરાત સુધી આવ-જા કરતી રોજની સાત ટ્રેનો માટે બે પ્લેટફોર્મ ધરાવતું નાનું ટર્મિનસ બાંધવાની યોજના પણ વિચારી છે. આના કારણે ચર્ચગેટથી અંધેરી સુધીની લોકલ ટ્રેનોની સર્વિસ પણ સરળતાથી ચલાવી શકાશે. લાંબા અંતરની કેટલીક ટ્રેનો જોગેશ્વરી સુધીની જ હશે તેથી પરાં વિસ્તારની લોકલ ટ્રેનોની ફેરીઓમાં પણ વધારો કરી શકાશે. 
પશ્ચિમ રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમારો અભ્યાસ કહે છે કે ગુજરાત તરફથી આવતી કે જતી ટ્રેનોમાં પરાં વિસ્તારના ગુજરાતીઓ મોટા ભાગે બોરીવલીથી જ ટ્રેનોમાં સવાર થાય છે અને બોરીવલી જ તેઓ ઉતરતા હોય છે. બોરીવલીથી અંધેરી વચ્ચે ગુજરાતીઓની બહોળી વસતી હોવાથી જોગેશ્વરીમાં ટર્મિનસ બને તો ગુજરાત સુધી આવ-જા કરતી લાંબા અંતરની ટ્રેનોના પ્રવાસીઓને રાહત રહેશે. 
આ પ્રક્રિયા સાથે સંકળાયેલા પશ્ચિમ રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જોગેશ્વરીમાં નવાં ટર્મિનસ માટે ફિઝિબિલિટી સ્ટડી શરૂ થઇ ચૂક્યો છે અને હવે તેની ડિઝાઇન અને બજેટ સંબંધી ચર્ચા-વિચારણા થઇ રહી છે. આ બંને કામ પૂર્ણ થઇ જશે એટલે પશ્ચિમ રેલવે વર્ષ 2019ના રેલવે બજેટમાં આ પ્લેટફોર્મ બાંધવા સંબંધી પ્રસ્તાવ મૂકશે. 
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જોગેશ્વરીમાં આ નવું ટર્મિનસ ક્યારે શરૂ થશે એની કોઇ સમય મર્યાદા હજુ સુધી તો નક્કી નથી પરંતુ એનું કામ બે તબક્કામાં થશે. જેમાં પહેલા તબક્કામાં પ્રસ્તાવિત સ્થળે બે પ્લેટફોર્મ અને તેને સંલગ્ન રેલવે લાઇનો બાંધવાની યોજના છે જ્યાંથી લાંબા અંતરની ટ્રેનોની આવ-જા થઇ શકે. રેલવે મંત્રાલયે વર્ષ 2018માં આ બે રેલવે લાઇનો માટે એક કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા અને દસ લાખ રૂપિયાની ફાળવણી પણ કરી હતી. હવે આની ડિઝાઇન માટે વિચારણા ચાલી રહી છે. રેલવે ટૂંક સમયમાં આ કામગીરીનાં ટેન્ડરો પણ બહાર પાડશે. 
પરાં વિસ્તારમાં રહેતા ગુજરાતીઓએ પણ રેલવેના આ પ્રસ્તાવને આવકાર્યો છે, ગુજરાતીઓનું કહેવું છે કે પરાં વિસ્તારમાં બહોળી વસતી હોવાથી સૌ ગુજરાતીઓ બોરીવલી સ્ટેશનેથી જ બહાર ગામની ટ્રેનોમાં આવ-જા કરતા હોય છે. જોગેશ્વરીમાં નવું ટર્મિનસ બને તો મુંબઈ સેન્ટ્રલ કે બાંદરા સુધી ટ્રેન પકડવા જવું ન પડે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer