સાંકડી વધઘટ બાદ બજારો નકારાત્મક ફલેટ બંધ થયાં

સાંકડી વધઘટ બાદ બજારો નકારાત્મક ફલેટ બંધ થયાં
રિલાયન્સ, અલ્ટ્રાટેક સાથે ટેક્નૉલૉજી શૅર્સમાં ખરીદી
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 5 : શૅરબજારમાં આજે સાંકડી, પરંતુ સતત વધઘટ પછી બજાર અત્યારે નકારાત્મક બંધ રહ્યું હતું. અંતિમ ટ્રેડિંગ સમયમાં સટ્ટાકીય લે-વેચ વચ્ચે અનેક શૅરો સુધારાથી ઘટાડે અને ઘટાડાથી સુધારે બંધ રહ્યા હતા. આજે ટ્રેડિંગની શરૂઆતમાં નિફટી અગાઉના બંધ 10553થી ઉપર 10558 ખૂલીને સતત દબાણે ઘટીને એક તબક્કે 10477 સુધી નીચે ગયું હતું. જોકે, ચુનંદા હેવીવેઈટ સૂચકાંકના કેટલાક શૅરોએ પુન: બાજુ સંભાળતા બજાર ઘટાડામાંથી થોડું ઉપર આવવા છતાં ટ્રેડિંગ અંતે 29 પૉઈન્ટ ઘટાડે 10524 ઉપર નકારાત્મક બંધ રહ્યું હતું. બીએસઈ ખાતે સેન્સેક્ષ 60 પૉઈન્ટ ઘટાડે 34951 બંધ હતો. વૈશ્વિક બજારોમાં અમેરિકા દ્વારા વ્યાજદરમાં પુન: વધારાની ચિંતા હતી. આ સાથે ટ્રેડવોર બાબતે અનિશ્ચિતતા પણ હજુ પૂરી ટળી નથી.
બજારમાં વ્યક્તિગત શૅરોના મૂલ્યાંકન સાથે પંટરો અને સટ્ટાકીય લે-વેચ સિવાય સ્થાનિકમાં દિવાળીના પર્વનો મૂડ શરૂ થઈ ચૂક્યો હોવાથી રિટેલ પાર્ટીસિપેન્ટ (ટ્રેડર) નગણ્ય હોવાનું જણાય છે. જેથી મોટે ભાગે સટ્ટાકીય લે-વેચના લીધે શૅરોના ભાવની વધઘટ નક્કી થઈ રહી હોવાનું જાણીતા બ્રોકરે જણાવ્યું છે. બજારમાં નીચા ભાવ જોઈને ટ્રેડિંગમાં માથે મારવાથી બચવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં આજે નબળાઈની અસરથી સ્થાનિક બજાર ઘટયું છે.
આજે નિફટીની વધઘટ ક્રૂડતેલના સ્થિર ભાવ અને ડૉલર સામે રૂપિયાના મૂલ્યમાં 43 પૈસાના સુધારા સાથે (72.43) બંધ આવતા ટેક્નૉલૉજી શૅરોના ભાવ સુધર્યા હતા. આ સાથે ચુનંદા બૅન્કિંગ અને હેવીવેઈટ ઔદ્યોગિક શૅરો અને મારુતિ સુઝુકી - બજાજ અૉટો સુધારે રહ્યા હતા. આમ છતાં નિફટીના 50 શૅરમાંથી 22ના સુધારા સામે 28 શૅર ઘટાડે બંધ આવ્યા હતા. ઊર્જા અને મેટલ ઈન્ડેક્ષ ઘટાડે હતો. સેઈલ પાંચ ટકા અને એનટીપીસી 3.26 ટકા ઘટયો હતો.
આજે સુધારાની આગેવાની લેનાર શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂા. 15, ગ્રાસીમ રૂા. 6, અલ્ટ્રાટેક રૂા. 44, કોલ ઈન્ડિયા રૂા. 2, એચસીએલ ટેક્નૉલૉજી રૂા. 16, ટેક મહિન્દ્રા રૂા. 5, વિપ્રો રૂા. 6, એસબીઆઈ રૂા. 10, એક્સિસ બૅન્ક પરિણામ સારા આવવાથી રૂા. 14, બજાજ ફીનસર્વ રૂા. 44, યુપીએલ રૂા. 13, ટિસ્કો રૂા. 3, ગેઈલ અને કોલ ઈન્ડિયા અનુક્રમે રૂા. 2 અને રૂા. 3 વધ્યા હતા. મારુતિ રૂા. 42 અને બજાજ અૉટોમાં રૂા. 15નો સુધારો હતો.
આજે ઘટાડામાં સૌથી વધુ આઈશર મોટર રૂા. 124, એચડીએફસી રૂા. 31, હીરો મોટર્સ રૂા. 49, ઈન્ડસઈન્ડ બૅન્ક રૂા. 55, ઈન્ડિયાબુલ હાઉસિંગ રૂા. 67, એમએન્ડએમ રૂા. 8, ટીસીએસ રૂા. 23, આઈઓસી રૂા. 8, એલએન્ડટી રૂા. 8, ટીટાન રૂા. 7 ઘટયા હતા. જ્યારે આઈટીસી અને વેદાન્તા અનુક્રમે રૂા. 4 અને રૂા. 3 ઘટાડે બંધ હતા.
એનલિસ્ટોના અનુમાન પ્રમાણે ક્રૂડતેલના ભાવ હળવા થયા છે. જ્યારે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવોરના સમાધાન માટે નવેસરથી પ્રયાસ શરૂ થવાના હોવાથી બજારમાં મોટા નવા ઘટાડાના સંયોગો કામચલાઉ ટળી ગયાનું માની શકાય. જોકે, આંતરિક સ્તરે વિધાનસભાની ચૂંટણીઓ અને અન્ય રાજકીય-વહીવટી ઘટનાઓની અસર બજાર પર પડી શકે છે. જેથી ઉપરમાં 10700ની સપાટી મુખ્ય રેસિસ્ટન્ટ ગણાય.
બુધવારે 7-11ના રોજ મુહૂર્તના સોદા માટે બજાર સાંજે 5થી 6.30 સુધી ચાલુ રહેશે. ગુરુવારે બેસતા વર્ષની રજા પાળશે.
વિદેશી બજારો
અમેરિકામાં વ્યાજદર વધારવા સાથે ટ્રેડવોરની અનિશ્ચિતતાને લીધે એશિયન બજારોમાં નબળાઈ ચાલુ હતી. જોકે, બ્રેક્સિટના સકારાત્મક પરિણામની આશાએ પાઉન્ડનો ભાવ બે અઠવાડિયામાં સૌથી ઊંચે મુકાયો હતો. જપાનમાં શૅરોમાં 0.2 ટકા ઘટાડો નોંધાયો હતો. જેથી નિક્કી 1.3 ટકા ઘટવા સાથે દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8 ટકા અને ઓસ્ટ્રેલિયામાં શૅરોમાં 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Published on: Tue, 06 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer