ધનતેરસના દિવસે સોનામાં ઝગમગાટ-ચળકાટ પાછા ફર્યા

ધનતેરસના દિવસે સોનામાં ઝગમગાટ-ચળકાટ પાછા ફર્યા
અમૂલ દવે અને રાજેશ દ્વિવેદી તરફથી 
મુંબઈ, તા. 5 :  સોનાની ખરીદી માટે શુભ દિવસ ગણાતા ધનતેરસે સોનાનો ઝગમગાટ-ચળકાટ પાછો ફર્યો હતો. સોનાનો ભાવ તોલાદીઠ 32,800 જેટલો ઊંચો જોવા મળ્યો હતો તથા મહારાષ્ટ્ર-ગુજરાતના અમુક તાલુકામાં દુકાળ હોવા છતાં સોનાના દાગીનાના વેચણમાં વૃદ્ધિ નોંધાઈ હતી. બુલિયન માર્કેટનાં સાધનોએ કહ્યું હતું કે સામાન્ય રીતે ધનતેરસમાં ગ્રામીણ વિસ્તારોમાં 67 ટકા અને શહેરી વિસ્તારોમાં 33 ટકા જેટલું વેચાણ થાય છે. જોકે અમુક ગ્રામીણ પ્રદેશોમાં વેચાણ ઘટવાની સાથે શહેરમાં સોનાના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હતો. 
 બૉમ્બે બુલિયન ઍસોસિયેશનના વાઇસ ચૅરમૅન કુમાર જૈને કહ્યું હતું કે મુંબઈમાં સવારે સોના-ચાંદીના સિક્કા વેચાયા હતા, પરંતુ બપોર પછી સોના અને દાગીનાની ખરીદી જોવા મળી હતી. લગ્નસરાની ખરીદી શરૂ થઈ ગઈ છે અને લોકોએ સ્વીકારી લીધું છે કે સોનાની બજારમાં હાલમાં તો તેજી રહેશે. 
આજે ધનતેરસના દિવસે સોનાના દાગીનાના વેચાણમાં પાંચ ટકા વૃદ્ધિ જોવા મળી હતી. 
ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ ઍસોસિયેશનના સેક્રેટરી સુરેન્દ્ર મહેતાએ કહ્યું હતું કે આખા દેશમાં દિવાળીના શુભ પર્વે સોનાના દાગીનાની ખરીદીમાં વધારો જોવા મળ્યો હતો. આવતા અઠવાડિયાથી લગ્નની મોસમ શરૂ થવાની હોવાથી એની પણ જોરદાર ખરીદી થઈ રહી છે. આને લીધે ધનતેરસ માર્કેટમાં સારી રહી હતી. નાઇન ડીએમના એમડી સંજય શાહે માહિતી આપી હતી કે ધનતેરસના પર્વમાં લોકોએ સોનાના સિક્કા અને ઇટાલિયન સ્ટાઇલની લાઇટવેટ જ્વેલરીની ખરાદી કરી. સોનાનો એક ગ્રામનો સિક્કા 3500થી 3800 રૂપિયામાં વેચાયો હતો.
ચાંદીની ખરીદી કરનારા ઓછા થઈ ગયા છે. લોકોનો ચાંદીમાં વિશ્વાસ ઓછો થઈ જતાં એનું વેચાણ 35-40 ટકા ઓછું રહ્યું. બૉમ્બે બુલિયન ઍસોસિયેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ સુરેશ હુંડિયાએ કહ્યું હતું કે ગયા વર્ષની તુલનાએ સોના-ચાંદીના સિક્કાની ખીરીદી પાંચથી સાત ટકા ઓછી હતી. જ્વેલરીની ડિમાન્ડમાં 10 ટકાનો ઘટાડો સોનાના ઊંચા ભાવને લીધે નોંધાયો છે. સોનાના ભાવ વધતાં રીટેલરો અને જ્વેલરોએ સોનાની ટોકન ખરીદી કરી હતી.
 

Published on: Tue, 06 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer