મોડી રાત્રે ફટાકડા ફોડવા બદલ મુંબઈમાં પહેલો ગુનો નોંધાયો

મોડી રાત્રે ફટાકડા ફોડવા બદલ મુંબઈમાં પહેલો ગુનો નોંધાયો
ટ્રોમ્બે પોલીસ બે અજાણ્યા આરોપીને શોધી રહી છે
 
મુંબઈ, તા. 7 : ફટાકડા ફોડવા કોર્ટે નક્કી કરેલા સમયનું પાલન નહીં કરનારા બે જણને કાયદાનો ભંગ ભારે પડી શકે છે. મધરાતે ફટાકડા ફોડયા એ માટે ટ્રોમ્બે પોલીસે બે અજાણ્યા યુવાનો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ફટાકડા ફોડનારા એ બે જણની શોધ ચાલુ છે.
સર્વોચ્ચ અદાલતે રાતે માત્ર આઠથી દસ વાગ્યાની વચ્ચે જ ફટાકડા ફોડવા અને કાયદાનો ભંગ કરનાર પર નજર રાખવા પ્રશાસનને નિર્દેશ આપતો આદેશ તાજેતરમાં જ બહાર પાડયો હતો.
અદાલતના નિર્ણયના અમલ કરવા માટે રાજ્યભરમાં પોલીસે વિશેષ ટુકડીઓ બનાવી છે. આમ છતાં મંગળવારે રાતે ટ્રોમ્બે ખાતે બે તરુણોએ સોસાયટીના પ્રાંગણમાં ફટાકડા ફોડ‰યા હતા. મધરાતે આ ફટાકડા ફોડવામાં આવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે અને એ સંબંધમાં વધુ તપાસ ચાલુ છે. નિયમ નહીં પાળનારા વિરુદ્ધ ગુનો દાખલ થયો હોવાનો રાજ્યનો આ પ્રથમ કિસ્સો છે.
કોર્ટે દિવાળીમાં રાતે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડવાની પરવાનગી આપી છે. એ સિવાય ક્રિસમસ અને ન્યૂ ઈયરની રાતે 11.45થી રાતે 12.15 વાગ્યા વચ્ચે જ ફટાકડા ફોડવાનો નિયમ પણ બનાવ્યો છે.
અદાલતે ઈ-કૉમર્સ પોર્ટલ્સને ફટાકડા વેચવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે.
Published on: Thu, 08 Nov 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer