અયોધ્યામાં રામમંદિર હતું અને રહેશે : યોગી આદિત્યનાથ

અયોધ્યામાં રામમંદિર હતું અને રહેશે : યોગી આદિત્યનાથ
સરયૂ કિનારે ભગવાન રામની વિશાળ પ્રતિમા બનાવવાનું કર્યું એલાન
 
લખનઉ, તા. 7 : દિવાળીના શુભ અવસરે ભગવાન રામના દ્વારે પહેંચેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને મહત્ત્વનું નિવેદન કર્યું હતું. યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, સરકાર અયોધ્યા મુદ્દે લોકોની ભાવનાઓનું સન્માન કરે છે અને અયોધ્યામાં રામ મંદિર હતું અને ભવિષ્યમાં પણ રહેશે. યોગીએ એમ પણ કહ્યું હતું કે, અયોધ્યા આસ્થાનું મહત્ત્વપૂર્ણ કેન્દ્રબિંદુ છે. આ સાથે યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામની 151 મીટર ઉંચી એક વિશાળ પ્રતિમા બનાવવાનું એલાન કર્યું હતું. જો કે આ પ્રતિમા સરયૂ નદીના કિનારે બનાવવામાં આવશે કે કેમ તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 
દીપોત્સવના ભવ્ય આયોજન અને સરયૂ તટ ઉપર ત્રણ લાખથી વધા દિવડા પ્રગટાવીને વિશ્વરેકોર્ડ બનાવ્યા બાદ સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યાને વિકાસની ભેટ આપી હતી. જ્યારે બુધવારે રામ મંદિર મુદ્દે વાત કરી હતી. યોગીએ કહ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર હતું અને રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ભવ્ય રામ મંદિરના નિર્માણ અંગે ટુંક સમયમાં ચૂકાદો આવશે અને બંધારણની મર્યાદામાં જ રહીને નિર્માણ કરવામાં આવશે.  યોગી આદિત્યનાથે ઉમેર્યું હતું કે, આગામી અમુક વર્ષોમાં અયોધ્યાને એક સુંદર શહેર તરીકે વિકસાવાશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer