મરાઠી અભિનેત્રી લાલન સારંગનું નિધન

મરાઠી અભિનેત્રી લાલન સારંગનું નિધન
અમારા પ્રતિનિધિ તરફથી
પુણે, તા. 9 : પોતાના જોરદાર અભિનય વડે લગભગ પાંચ દાયકા સુધી રંગભૂમિ પર રાજ કરનારાં અને પોતાની આગવી છાપ ઉપસાવનારાં બળવાખોર અભિનેત્રી 79 વર્ષનાં લાલન સારંગનું વૃદ્ધાવસ્થાને લીધે નિધન થયું છે. આજે સવારે પુણેની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમના નિધનથી મરાઠી રંગભૂમિ અને સિનેસૃષ્ટિ પર શોકનાં વાદળ છવાઈ ગયાં છે. `કમલા', `ગિધાડે', `સખારામ બાઇન્ડર', `રથચક્ર' જેવાં નાટય પરંપરાનો છેદ ઉડાડનારાં નાટકોમાં તેમણે ભજવેલી ભૂમિકા ખાસ્સી એવી પ્રચલિત બની હતી.
લાલન સારંગનો જન્મ 1941ની 26 ડિસેમ્બરે ગોવામાં થયો હતો. લાલન સારંગને રંગભૂમિ પર લોકો બળવાખોર અભિનેત્રી તરીકે ઓળખતા હતા. મુંબઈ મરાઠી સાહિત્ય સંઘ, અત્રે થિયેટર્સનાં નાટકોથી તેમણે પોતાના અભિનય-પ્રવાસની શરૂઆત કરી હતી, જેમાં `મી મંત્રી ઝાલો', `બુવા તેથે બાયા', `મોરુચી માવશી', `ઉદ્યાચા સંસાર' જેવાં નાટકોનો સમાવેશ હતો. વિજય તેન્ડુલકરના `સખારામ બાઇન્ડર' નાટકમાં તેમણે સાકાર કરેલી ચંપાની ભૂમિકાને લોકોએ વખાણી હતી, તો `રથચક્ર', `કમલા', `ગિધાડે', `જંગલી કબૂતર', `ખોલ ખોલ પાણી', `ઘરટે આપુલે છાન', `બેબી', `સૂર્યાસ્ત' અને `કાલચક્ર' જેવાં નાટકોમાંની તેમની ભૂમિકા ખાસ્સી વખણાઈ હતી. `સામના', `હા ખેળ સાવલ્યાંચા' નામની મરાઠી ફિલ્મોમાં તથા `રથચક્ર' નામની હિન્દી સિરિયલમાં પણ લાલન સારંગે ભૂમિકા ભજવી હતી. નાટકોના માધ્યમ થકી સાકાર કરેલી ભૂમિકામાં તેમણે ફક્ત મનોરંજન ન પીરસતાં સામાજિક સંદેશ પણ પહોંચાડયા છે. લાલન સારંગે 2012માં જયવંત દળવી લિખિત `કાલચક્ર' નાટક દ્વારા વ્યાવસાયિક રંગભૂમિ પર પુનરાગમન કર્યું હતું.
`નાટકાંમાગીલ નાટય', `મી આણિ માઝ્યા ભૂમિકા' `જગલે જશી' અને `બહારદાર કિસ્સે આણિ ચટાકેદાર પાકકૃતિ' જેવાં પુસ્તકો પણ તેમણે લખ્યાં છે. કણકવલીમાં યોજાયેલા 87માં મરાઠી નાટય સંમેલનમાં તેમણે અધ્યક્ષપદ શોભાવ્યું હતું.
Published on: Sat, 10 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer