છત્તીસગઢમાં પ્રથમ ચૂંટણી રૅલીને સંબોધન `શહેરી માઓવાદીઓ''ને કૉંગ્રેસ ટેકો આપે છે : મોદી

છત્તીસગઢમાં પ્રથમ ચૂંટણી રૅલીને સંબોધન `શહેરી માઓવાદીઓ''ને કૉંગ્રેસ ટેકો આપે છે : મોદી
`ભાજપ સિવાય અન્ય કોઈને મત બસ્તરનાં સ્વપ્નો પર ધબ્બો હશે'
 
જગદલપુર (છત્તીસગઢ), તા. 9 (પીટીઆઈ) : `શહેરી માઓવાદીઓ'ને કૉંગ્રેસ ટેકો આપે છે એવો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કરીને ડાબેરી અંતિમવાદીઓને દુષ્ટ માનસિકતા ધરાવતા રાક્ષસો તરીકે વર્ણવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પક્ષ (ભાજપ) સિવાય અન્ય કોઈને પણ મત આપવો `બસ્તરનાં સ્વપ્નો પર ધબ્બો' હશે.
બળવાખોરીગ્રસ્ત બસ્તર જિલ્લામાં પોતાની પ્રથમ ચૂંટણી રૅલીને સંબોધતાં મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ પક્ષ આદિવાસીઓની `મજાક' ઉડાવી રહ્યો છે.
મને ખબર નથી કે કૉંગ્રેસ શા માટે આદિવાસીઓની મજાક ઉડાવે છે. એક વખત હું ઇશાન ભારતમાં એક રૅલી માટે ગયો હતો અને પરંપરાગત આદિવાસીઓનો માથાનો પહેરવેશ પહેર્યો હતો, પરંતુ કૉંગ્રેસના નેતાઓએ તેની મજાક ઉડાવી હતી. આદિવાસી સંસ્કૃતિનું આ અપમાન છે, એમ મોદીએ કહ્યું હતું.
મુખ્ય પ્રધાન રમણ સિંહની આગેવાની હેઠળ રાજ્યમાં ભાજપની સરકારે બસ્તરમાં વિકાસનો નવો યુગ શરૂ કર્યો છે, જ્યારે અગાઉની સરકારોએ ભંડોળ ધરાવતી હોવા છતાં બસ્તર માટે કશું નહોતું કર્યું. માઓવાદીઓ પર તૂટી પડતા વડા પ્રધાને કહ્યું હતું કે તેઓ શાળાઓનો નાશ કરી રહ્યા છે અને ડૉક્ટરોને લોકોની સારવાર કરવા નથી દેતા. બાળકોના હાથમાં કલમને બદલે બંદૂકો આપનારાઓ વાસ્તવમાં દુષ્ટ માનસિકતા ધરાવતા રાક્ષસો છે.
`શહેરી નક્સલો' આ પ્રદેશમાં ડાબેરી બળવાખોરીનું રિમોટ કંટ્રોલિંગ કરે છે. શહેરોમાં ઍર-કંડિશન ઘરોમાં રહે છે અને તેમનાં સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે. તેઓ નકસલીઓના વર્ચસ્વવાળા પ્રદેશમાં ડાબેરી બળવાખોરીનું રિમોટ કંટ્રોલિંગ કરે છે.
હું કૉંગ્રેસને પૂછવા માગું છું કે સરકાર તેમની વિરુદ્ધ પગલાં લે છે ત્યારે તેઓ શા માટે શહેરી માઓવાદીઓને ટેકો આપે છે.
Published on: Sat, 10 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer