સમુદ્ર સુરક્ષાનું સૌથી મોટું પરીક્ષણ ટૂંકમાં

સમુદ્ર સુરક્ષાનું સૌથી મોટું પરીક્ષણ ટૂંકમાં
નવી દિલ્હી, તા. 10 : એક મહિનાની અંદર ભારત પોતાની તટીય સુરક્ષાનું પૂર્ણ પરીક્ષણ કરવા તૈયાર છે. આ અૉપરેશનનું કોડ નામ `એકસરસાઈઝ સી વિજિલ' આપવામાં આવ્યું છે. આ પરીક્ષણમાં નવ જુદી જુદી એજન્સીઓ સામેલ છે.
આ અભ્યાસમાં દેશના તટીય ક્ષેત્રોથી કોઈ પણ પ્રકારના થનારા આતંકવાદી હુમલાથી સુરક્ષાનું પરીક્ષણ કરવામાં આવશે. મુંબઈમાં 26 નવેમ્બર, 2008માં થયેલા આતંકવાદી હુમલા પછી સરકાર તટીય સુરક્ષાને લઈ ખૂબ ગંભીર બની ગઈ હતી. સંરક્ષણ ખાતાના એક અધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું છે કે આ અભ્યાસમાં પ્રતિક્રિયામાં લાગનારો સમય, એજન્સીઓની વચ્ચે સમન્વય, કોઈ પણ પ્રકારના ખતરા સામેની પૂર્વ તૈયારી વગેરેનું પરીક્ષણ કરવામાં આવશે.
એક દશકા પહેલાં 26 નવેમ્બરે 10 પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઈમાં સમુદ્રના રસ્તે ઘૂસી આવ્યા હતા અને તેઓએ કરેલા હુમલામાં 166 લોકોના જીવ ગયા હતા અને 300 લોકો ઘાયલ થયા હતા. ત્રણ દિવસ સુધી ચાલેલા આ હુમલામાં લશ્કરે તોયબાનો હાથ હતો.
એક વરિષ્ઠ નૌસેના અધિકારીનું કહેવું છે કે આ અભ્યાસ દરમિયાન દરેક એવા ભયનું પરીક્ષણ થશે જેની ભવિષ્યમાં આશંકા છે. આ અભ્યાસમાં 46 તટીય રડાર સ્ટેશન, 74 નેશનલ અૉટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ, ચેન સ્ટેશન, ચાર સંયુક્ત અૉપરેશન જે મુંબઈ, કોચી, વિશાખાપટ્ટનમ, પોર્ટ બ્લેયરમાં થશે. આનું મોનેટરિંગ ગુરુગ્રામ સ્થિત ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ એનાલિસિસ સેન્ટરથી કરવામાં આવશે.
તટીય વિસ્તારોની મરીન પોલીસ પણ આમાં ભાગ લેશે. આ ઉપરાંત આઈબી, રૉ જેવી સંસ્થાઓ પણ પરીક્ષણમાં ભાગીદાર બનશે. આ પરીક્ષણ અંતર્ગત એઆઈએસ સિસ્ટમ, તટીય રડાર સિસ્ટમ અને સંયુક્ત કમાન્ડ સેન્ટરોમાં સુરક્ષામાં કયાં કચાશ છે તેની તપાસ કરવામાં આવશે. જોકે આ પરીક્ષણની ચોક્કસ તારીખ પણ પરીક્ષણથી સંકળાયેલી તમામ એજન્સીઓને પહેલેથી નહીં આપવામાં આવે જેને લઈ સમન્વયનું વાસ્તવિક પરીક્ષણ કરી શકાય.

Published on: Sat, 10 Nov 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer