ચીંટુજી બદલાઈ ગયા છે : જુહી ચાવલા

ચીંટુજી બદલાઈ ગયા છે : જુહી ચાવલા
જુહી ચાવલાએ કારકિર્દી આરંભે રિશી કપૂર (હુલામણું નામ ચીંટુ) સાથે કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો છે, પરંતુ હમણાં લાંબા સમય બાદ તેને ફરી રિશી સાથે કામ કરવાની તક મળી છે પરંતુ અભિનેત્રીને રિશીની કામ કરવાની સ્ટાઇલ જોઇને નવાઇ લાગી હતી અને તેણે કહ્યું હતું કે, ચીંટુજી બદલાઇ ગયા છે. 
જુહીએ જણાવ્યું હતું કે, અગાઉ અમે બે કે ત્રણ ફિલ્મો એકસાથે કરતાં હતાં. આથી તેમની પાસે સમય ઓછો રહેતો. તેઓ તૈયાર થઇને સેટ પર આવતાં અને શૂટિંગ પતાવીને તરત જ નીકળી જતાં હતાં, પરંતુ હાલમાં મળેલી ફિલ્મનું રીડિંગ અમે સાથે બેસીને કરીએ એવો આગ્રહ તેમણે રાખ્યો હતો. તેમના કહેવાથી નિર્માતાએ તમામ કલાકારોને સાથે બેસાડીને રીડિંગ કર્યું હતું. ચીંટુજીએ કહ્યું કે તેઓ અમિતાભ બચ્ચન પાસેથી આ શીખ્યા હતા. આ બંને કલાકારોએ થોડા સમય અગાઉ 102 નોટ આઉટ ફિલ્મમાં અભિનય કર્યો હતો. ત્યારે અમિતાભ આ રીતે જ રીડિંગ સેશનનો આગ્રહ રાખતા હતા. આ જ પ્રમાણે હવે તેઓ શૂટિંગ બાદ પણ દૃશ્ય બરોબર શૂટ થયું છે કે નહીં તે જોવા અને દિગ્દર્શક સાથે ચર્ચા કરવા મોડે સુધી રોકાય છે.
જોકે, જુહીએ રિશી સાથેની પોતાની ફિલ્મ અંગે વિગતો આપી નહોતી. તેણે કહ્યું કે, જો હું આ વિશે કશું કહીશ તો નિર્માતાની નારાજગીનો ભોગ બનીશ. લાંબા સમય બાદ ચીંટુજી સાથે કામ કરવાની તક મળી છે અને મારી ઈચ્છા પૂરી થઈ છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer