હૉંગકૉંગ ઓપનમાં સિંધુ અને સમીર બીજા રાઉન્ડમાં

હૉંગકૉંગ ઓપનમાં સિંધુ અને સમીર બીજા રાઉન્ડમાં
સાઇ પ્રણિત બહાર
 
કોલૂન (હોંગકોંગ), તા.14: વિશ્વની ત્રીજા નંબરની શટલર ભારતની પીવી સિંધુ હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં સંઘર્ષપૂર્ણ જીત સાથે બીજા રાઉન્ડમાં પહોંચી છે. બીજી તરફ પુરુષ વિભાગમાં ભારતીય યુવા ખેલાડી સાઇ પ્રણિત પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગયો છે. જ્યારે સમીર વર્માએ બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે.
પીવી સિંધુએ પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડની ખેલાડી નિત્યાનોન જિંદાપોલને 21-15, 13-21 અને 21-17થી હાર આપી હતી. ત્રીજા ક્રમની પીવી સિંધુને 14મા ક્રમની જિંદાપોલ સામે વિજય માટે ત્રણ ગેમની લડત આપવી પડી હતી. જિંદાપોલ સામેના 6 મુકાબલામાં સિંધુને ફકત એકમાં જ હાર મળી છે. બીજા રાઉન્ડમાં સિંધુની ટક્કર કોરિયાની સુંગ જી હિયૂન સામે થશે. બન્ને વચ્ચે 14મી ટક્કર થશે. 10મા ક્રમની કોરિયન ખેલાડીએ સિંધુને પાંચ વખત હાર આપી છે. આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં સુંગે સિંધુને હાર આપી હતી. જયારે વિશ્વ ચેમ્પિયનશીપમાં સિંધુએ હાર આપી હતી. 
પુરુષ વિભાગમાં સ્વીસ ઓપન ચેમ્પિયન સમીર વર્માએ પહેલા રાઉન્ડમાં થાઇલેન્ડના ખેલાડી સુપાન્યુ સામે 21-17 અને 21-14થી જીત મેળવી હતી. જયારે બી. સાઇ પ્રણિત થાઇલેન્ડના ખેલાડી ખોસિત સામે 21-16, 11-21 અને 15-21થી હારીને બહાર થઇ ગયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer