શૅરબજારોમાં સાંકડી વધઘટ : અૉઈલ કંપનીઓના શૅર્સમાં ઉછાળો

શૅરબજારોમાં સાંકડી વધઘટ : અૉઈલ કંપનીઓના શૅર્સમાં ઉછાળો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.14 : શૅરબજારોમાં આજે શરૂઆત સારી થઈ તે પછી વેચવાલી આવતાં બજાર એકંદરે સાંકડી વધઘટમાં રહ્યું હતું.  સેન્સેક્ષ અઢી પોઈન્ટ ઘટીને 35,142 જ્યારે નિફ્ટી50 સૂચકાંક છ પોઈન્ટ ઘટીને 10,576 બંધ રહ્યો હતો. સેન્સેક્ષમાં ટીસીએસ, ઈન્ફોસિસ, સન ફાર્મા અને મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર સૌથી વધુ ઘટયા હતા.
સન ફાર્માની સપ્ટેમ્બર ત્રિમાસિક ખોટ રૂા. 2.18 અબજ થતા કંપનીનો શૅર સાત ટકા ઘટીને રૂા. 521 ઉપર બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વિનોદ કે દસારીએ રાજીનામું આપતા કંપનીનો શૅર 10 ટકા જેટલો ઘટયો હતો. દસારી 14 વર્ષ પહેલાં અશોક લેલેન્ડમાં ચીફ અૉપરેટિંગ અૉફિસર (સીઓઓ) તરીકે જોડાયા હતા અને સાત વર્ષ પહેલાં મૅનેજિંગ ડિરેક્ટર પદનું કામકાજ સંભાળ્યું હતું. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બૅન્કનો શૅર 1.5 ટકા વધીને સર્વોચ્ચ ટોચ રૂા. 367ને સ્પર્શયો હતો. 
નબળી માગ અને વધુ પડતી સપ્લાયને લીધે વૈશ્વિક ક્રૂડતેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઈન્ટ્રા-ડેમાં અૉઈલ માર્કેટિંગ કંપનીઓ, પેઈન્ટ્સ અને એવિયેશન કંપનીઓના શૅર 12 ટકા જેટલા વધ્યા હતા. ક્રૂડતેલના ભાવમાં ઘટાડાની સકારાત્મક અસર અૉઈલ માર્કેટિંગ કંપનીઓ જેવી કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન (એચપીસીએલ), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન (બીપીસીએલ) અને ઇન્ડિયન અૉઈલ કૉર્પોરેશન (આઈઓસી)ને થઈ હતી. 
દરમિયાન હોલસેલ ફુગાવાના આંકડા જાહેર થયા હતા. અનાજના ભાવમાં ઘટાડા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને પગલે હોલસેલ ફુગાવો વધીને ચાર મહિનાની ટોચ 5.28 ટકા થયો હતો. 
ક્રૂડતેલની નબળી માગ અને વધુપડતી સપ્લાયને લીધે વૈશ્વિક વૃદ્ધિ ધીમી પડશે એવી ચિંતા રોકાણકારોને થતાં એશિયાના બજારો આંશિક ઘટયા હતા. જપાન બહારનો એમએસસીઆઈનો ઈન્ડેક્સ એશિયા-પેસેફિક શૅર્સ 0.07 ટકા ઘટયો હતો. ઓસ્ટ્રેલિયાના શૅર્સ 0.5 ટકા ઘટયા હતા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.2 ટકા ઘટયો જ્યારે જપાનનો નિક્કી 0.3 ટકા વધ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer