પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અસર

પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની અસર
હોલસેલ ફુગાવો અૉક્ટો.માં વધીને 5.28 ટકા
 
નવી દિલ્હી, તા.14 (પીટીઆઈ) : અનાજના ભાવ ઘટયા છતાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને પગલે અૉક્ટોબરમાં હોલસેલ ફુગાવો ચાર મહિનાની ટોચે 5.28 ટકા એ પહોંચ્યો હતો, આ ફુગાવો સપ્ટેમ્બરમાં 5.13 ટકા અને ગયા વર્ષના અૉક્ટોબરમાં 3.68 ટકા હતો. 
સરકારી આંકડા અનુસાર અન્ન ફુગાવો સપ્ટેમ્બરની સરખામણીએ 0.21 ટકા ઘટીને અૉક્ટોબરમાં 1.49 ટકા થયો હતો. શાકભાજીના ભાવ પણ સપ્ટેમ્બરની સરખામણીએ 3.83 ટકા ઘટીને અૉક્ટોબરમાં 18.65 ટકા થયા હતા. 
`ઈંધણ અને ઊર્જા' ફુગાવો અૉક્ટોબરમાં વધીને 18.44 ટકા થયો છે, જે સપ્ટેમ્બરમાં 16.65 ટકા હતો. પેટ્રોલ અને ડીઝલમાં ફુગાવો વધીને અનુક્રમે 19.85 ટકા અને 23.91 ટકા હતો. જ્યારે રાંધણ ગૅસ (એલપીજી)માં ફુગાવો 31.39 ટકા હતો. 
અૉક્ટોબરમાં બટાટાના ભાવમાં ફુગાવો 93.65 ટકા હતો. કાંદામાં ઘટીને 31.69 ટકા અને કઠોળમાં 13.92 ટકા હતો. 
હોલસેલ ફુગાવો ચાર મહિનાની ટોચે છે, આ પહેલા સૌથી ઊંચો આંક જૂનમાં 5.68 ટકાનો થયો હતો. હોલસેલ ફુગાવાના આંકડા રિટેલ ફુગાવા કરતાં વિરોધાભાસી હતા. અૉક્ટોબરમાં રિટેલ ફુગાવો ઘટીને 3.31 ટકા હતો. રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) નાણાં નીતિને ઘડતા સમયે રિટેલ ફુગાવાને ધ્યાનમાં લેતી હોય છે. 
આરબીઆઈની ગયા મહિનાની નાણાં નીતિમાં વ્યાજદર યથાવત્ રાખ્યા હતા, પરંતુ ચેતવણી આપી હતી કે ક્રૂડતેલના ભાવમાં વધારો, વૈશ્વિક નાણાકીય પરિસ્થિતિ તંગ બનવાથી ફુગાવાનું જોખમ વધ્યું છે. આરબીઆઈનો અંદાજ છે કે અૉક્ટોબર-માર્ચ દરમિયાન રિટેલ ફુગાવો 3.9-4.5 ટકા રહેશે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer