અયોધ્યામાં ભાષણ માટે ઉદ્ધવ ઠાકરે શુદ્ધ હિન્દી શીખી રહ્યા છે

મુંબઈ, તા. 14 : અયોધ્યામાં રામમંદિર બનાવવાનો હુંકાર કરનાર શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે 25 નવેમ્બરે અયોધ્યાની મુલાકાતે ઊપડવાના છે. તેમની મુલાકાતની જોરદાર તૈયારી શિવસેના કરી રહી છે. અયોધ્યામાં યોજાનારી જાહેર સભામાં ઉદ્ધવ ઠાકરે સવા કલાક સુધી ભાષણ આપવાના છે. અત્યાર સુધી ફક્ત  મહારાષ્ટ્રમાંની જાહેર સભામાં માતૃભાષામાં ભાષણ કરનારા ઉદ્ધવ ઠાકરે હવે ઉત્તર પ્રદેશમાં યોજાનારી શિવસેનાની સભામાં હિન્દીમાં ભાષણ કરવાના છે. એ માટે તેઓ હિન્દી ભાષાના શબ્દોના ઉચ્ચારો હિન્દીભાષી એક્સપોર્ટ પાસેથી શીખી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
શિવસેનાનાં સૂત્રોએ કહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અયોધ્યામાં રામમંદિર વિશે બોલવાના હોવાથી તેમણે હિન્દીમાં જ ભાષણ કરવું પડશે. જોકે ઉદ્ધવ ઠાકરે હિન્દી ભાષા સારી રીતે જાણતા હોવાથી તેમને હિન્દીમાં બોલવાની ફાવટ છે. જોકે આજ સુધી હિન્દીમાં ભાષણ કરવાનો તેમનો વારો આવ્યો નહોતો, પણ હવે વારો આવ્યો છે અયોધ્યાની સભા નિમિત્તે. પોતાના ભાષણમાં ઉદ્ધવ ઠાકરે ફક્ત ભારતના લોકોને જ નહીં, જગતભરના લોકોને રામમંદિર બનાવવાનો પડકાર ફેંકવાના છે. એ માટે તેમણે અયોધ્યાના રામમંદિર બનાવવાના પ્રથમ આંદોલનની માહિતી ભેગી કરી છે. તેમના ભાષણમાં એ મુદ્દો મુખ્ય હશે અને એ માટેની તૈયારી અંતિમ તબક્કામાં છે.
સંસદસભ્ય સંજય રાઉતે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેની રૅલી ભવ્ય હશે. અયોધ્યામાં ભગવાન શ્રીરામનાં દર્શન કરવાની ઇચ્છા ઘણાં વર્ષોથી છે અને એ 25 નવેમ્બરે પૂરી થશે. દર્શન કર્યા બાદ અયોધ્યામાં અમુક સ્થાનિક કાર્યક્રમોમાં પણ હાજરી આપશે અને સંતો-મહંતોને મળશે.
ઉદ્ધવની રાજ્યની બહાર પ્રથમ સભા
શિવસેના અન્ય રાજ્યોમાં ચૂંટણી લડી, પણ એ માટે ઉદ્ધવ ઠાકરેએ ક્યારેય પ્રચારસભા યોજી નહોતી. એટલે ઉદ્ધવની રાજ્યની બહારની તથા હિન્દીમાં ભાષણ આપવાની આ પ્રથમ સભા હશે. અગાઉ એનડીએની સરકાર સત્તારૂઢ થયા બાદ દિલ્હીમાં લોકસભામાં સંસદસભ્યોને સંબોધિત કરવા દરમિયાન ઉદ્ધવે હિન્દીમાં નાનકડું ભાષણ આપ્યું હતું. એ ઉપરાંત દિલ્હીમાં વેપારીઓની એક પરિષદમાં પણ તેમણે હિન્દીમાં માર્ગદર્શન કર્યું હતું.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer