સુરતમાં જૈન સાધ્વીની છેડતી કરનારો યુવક પાલેજમાંથી પકડાયો

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 :  સુરત શહેરમાં ચર્ચા જગાવનાર ગોપીપુરા સ્થિત શીતલવાડી જૈન ઉપાશ્રયમાં સાધ્વીની છેડતી પ્રકરણમાં ડીસીબી પોલીસે ગત રોજ આરોપી અક્ષયને ભરૂચથી  પકડી પાડયો હતો.  આરોપીએ પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલી લીધો છે અને તે સાધ્વીની છેડતી કરવાના ઇરાદે જ ઉપાશ્રયમાં ઘુસ્યો હોવાનું કબૂલ્યું છે. પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરી હતી. 
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડીસીબી પોલીસે આરોપી અક્ષય સંજયભાઇ રાઠોડને ગઇ કાલે ભરૂચના પાલેજ ખાતેથી ઝડપી પાડયો છે. આરોપી જૈન ઉપાશ્રયની બાજુમાં આવેલ ઓસ્વાલ મહોલ્લામાં જ રહે છે. તેના પિતા ગોપીપુરા વિસ્તારમાં મંદિરના પૂજારી હતા. જયારે અક્ષય સાધ્વીજીની છેડતી કર્યા બાદ ભરૂચ ખાતે પોતાના વતન મામાના ઘરે રોકાયો હતો અને ભાગી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 
બનાવ અંગે તપાસ કરતા અધિકારીએ જણાવ્યું હતું કે આરોપી હીરા ઘસુ છે અને તેના પિતાને પૂજાપાઠના કામમાં મદદ પણ કરતો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપી અક્ષય નવા વર્ષની રાત્રીએ શીતલવાડી જૈન ઉપાશ્રયમાં ઘૂસી ગયો હતો અને ત્યાં એક સાધ્વીની છેડતી કરી ભાગી ગયો હતો.  જોકે આ ઘટના બાદ જૈન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. અને બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની માગણી કરી હતી.  જેથી તપાસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સોંપવામાં આવતા પોલીસને સીસીટીવીમાં પણ આરોપી નજરે ચઢયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer