દક્ષિણ મુંબઈની પોસ્ટ અૉફિસોમાં ટપાલ ટિકિટની અછત

પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ માટે લોકોને ઋઙઘ સુધી જવું પડે છે
 
મુંબઈ, તા.14 : દક્ષિણ મુંબઈના નરિમાન પૉઇન્ટ અને ફોર્ટ જેવા અૉફિસોથી ધમધમતા વિસ્તારની પોસ્ટ અૉફિસોમાં ટપાલ ટિકિટની અછતના કારણે વેપારીઓ પરેશાન છે. છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ નજીક આવેલી જનરલ પોસ્ટ અૉફિસ (જીપીઓ)એ સ્થાનિક પૉસ્ટ અૉફિસોમાં પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટૅમ્પનો પુરવઠો આપવાનું બંધ કર્યું હોવાથી નાગરિકોને ટપાલ ટિકિટ સંબંધી અગવડો પડી રહી છે. જોકે, ખાસ તો સ્થાનિક પોસ્ટ અૉફિસોમાં પાંચ રૂપિયાની ટપાલ ટિકિટના વિકલ્પે ત્રણ અને એક રૂપિયાની ટપાલ ટિકિટો પણ ખલાસ થઇ ગઇ હોવાથી લોકોને ટપાલ ટિકિટ માટે જીપીઓ સુધી જવું પડે છે.
છેલ્લા એક મહિનાથી દક્ષિણ મુંબઈની પોસ્ટ અૉફિસોમાં ટપાલ ટિકિટોની અછત છે. એકાદ મહિનાથી જીપીઓ દ્વારા દક્ષિણ મુંબઈની સ્થાનિક પોસ્ટ અૉફિસોમાં ટપાલ ટિકિટનો પુરવઠો આપવાનું બંધ કર્યું હોવાથી આ સમસ્યા સામે આવી છે. લોકોને ટપાલ ટિકિટ માટે જીપીઓ સુધી આવવું પડે છે અને કતારમાં ઊભવું પડે છે, એમ ટપાલ ખાતાના એક કર્મચારીએ કહ્યું હતું. 
દક્ષિણ મુંબઈમાં નરિમાન પૉઇન્ટ, આયુર્વીમા કાર્યાલય અને મંત્રાલય નજીક બે એમ ચાર સ્થાનિક પોસ્ટ અૉફિસો આવેલી છે. છેલ્લા એક મહિનાથી આ પોસ્ટ અૉફિસોમાં માત્ર ત્રણ અને એક રૂપિયાની જ ટપાલ ટિકિટોનો પુરવઠો આપવામાં આવે છે, પરંતુ તેમાં પણ નિયમિતતા નથી. છેલ્લા છ મહિનાથી જીપીઓ દ્વારા પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટૅમ્પનો જથ્થો સ્થાનિક પોસ્ટ અૉફિસોને આપવાનું બંધ કર્યું છે અને નાગરિકોને પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ માત્ર જીપીઓમાંથી જ આપવામાં આવે છે. 
વીસ ગ્રામના ટપાલ પાર્સલ માટે પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ લગાવવી પડે છે, તેથી લોકો જો પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ ન હોય તો ત્રણ રૂપિયાની એક અને એક રૂપિયાની બે ટપાલ ટિકિટ લગાવે છે, પરંતુ હવે સ્થાનિક પોસ્ટ અૉફિસોમાં એક અને ત્રણ રૂપિયાની ટપાલ ટિકિટોનો જથ્થો પણ ખતમ થઇ ગયો હોવાથી નાગરિકોની પરેશાની વધી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer