પાનની પિચકારીના ડાઘ સાફ કરવાની રીત બતાવનાર મુંબઈના વિદ્યાર્થીઓને મળ્યો ગોલ્ડ મેડલ

મુંબઈ, તા. 14 : અમેરિકાના બોસ્ટનસ્થિત મૅસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ અૉફ ટેક્નૉલૉજી (એમઆઈટી) સંસ્થા તરફથી યોજાયેલી જાગતિક સંશોધન સ્પર્ધામાં મુંબઈની રામનારાયણ રુઈયા કૉલેજના વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના `સ્વચ્છ ભારત અભિયાન'માંથી પ્રેરણા લઈને આ વિદ્યાર્થીઓએ `પાનની પિચકારીના ડાઘ સહેલાઈથી નષ્ટ કરી શકાશે' વિશે એક પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. એ પ્રોજેક્ટના પરીક્ષકોએ વિશેષ વખાણ કર્યા હતા. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ વિદ્યાર્થીઓને મળીને અભિનંદન આપ્યા હતા. 
માટુંગાની રુઈયા કૉલેજના આ પ્રોજેક્ટને બેસ્ટ ઈન્ટિગ્રેટેડ હ્યુમન પ્રેક્ટિસિસનું વિશેષ પારિતોષિક પણ મળ્યું હતું. તેમની ટીમનું બેસ્ટ પ્રોજેક્ટ અન્ડર એન્વાયર્નમેન્ટ ટ્રેક અને બેસ્ટ પ્રેઝન્ટેશન જેવાં બે વિશેષ પારિતોષિક માટે પણ નામાંકન થયું છે.
છેલ્લા વર્ષમાં ભણનારાં ઐશ્વર્યા રાજુરકર,અંજલિ વૈદ્ય, કોમલ પરબ, નિષ્ઠા પાંગે, મૈથિલી સાવંત, મિતાલી પાટીલ, સાનિકા આંબરે તથા શ્રુતિકા સાવંત નામના સ્ટુડન્ટ્સે આ પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો.
ટ્રેનોમાં પિચકારીના ડાઘ માથાનો દુખાવો
પાન ખાઈને ગમે ત્યાં થૂંકવાથી ફકત આરોગ્યને હાનિ જ પહોંચતી નથી, પણ એની સાથોસાથ ઐતિહાસિક સ્થળો, સ્મારકો તથા જાહેર વાસ્તુનું સૌંદર્ય પણ નષ્ટ થાય છે. મુંબઈમાં પશ્વિમ અને મધ્ય રેલવેની પરાંની ટ્રેનોના ડબ્બા તથા રેલવે-પરિસરમાંથી પાનની પિચકારીના ડાઘા સાફ કરવા માટે દર મહિને કરોડો રૂપિયા ખર્ચાય છે. એ ઉપરાંત એમાં પુષ્કળ પાણીનો પણ વેડફાટ થાય છે. જો કે એમ છતાં પાનની પિચકારીના ડાઘા એકદમ સાફ થતા નથી. આ સમસ્યાના ઉકેલ રૂપે જૈવિક સંશ્લેષણના આધારે પર્યાવરણ ઉપાય શોધી કાઢીને એ કઈ રીતે સહેલાઈથી દૂર કરી શકાય એનો પ્રયોગ રુઈયા કૉલેજના વિદ્યાર્થીઓએ કરી બતાવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer