મોદીની પ્રશંસા કરતા ટ્રમ્પ : વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી

વ્યાપારી સમજૂતીઓમાં ભારતને અવ્વલ ગણાવતું અમેરિકા
 
આર્જેન્ટિનાની સમિટ દરમિયાન બંને નેતાની મુલાકાત સંભવ
 
વોશિંગ્ટન, તા.14: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અચ્છા મિત્ર ગણાવી વ્યાપારિક સોદાઓમાં તેમને સૌથી સારા ગણાવ્યા છે. ભારતે પહેલાં રશિયા પાસેથી એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના કરેલા  સોદા અને પછી ઈરાન પાસેથી તેલની ખરીદીમાં અમેરિકી પ્રતિબંધમાંથી મેળવેલી છૂટ બાદ ટ્રમ્પે આ નિવેદન કર્યું છે. વ્હાઈટ હાઉસમાં દિવાળી મનાવી રહેલા ટ્રમ્પે જણાવ્યું કે તેઓ, પીએમ મોદીની દોસ્તી બદલ કૃતજ્ઞ છે. ભારત સાથે બહેતર વ્યાપારિક સમજૂતિ કરવા અમે ઠીક મહેનત કરી રહ્યા છીએ એમ તેમણે જણાવ્યું હતું.
ભારતના વ્યાપાર વાટાઘાટકારોને બેહદ કુશળ અને વાટાઘાટને અમેરિકીઓ માટે  ખાસી મુશ્કેલીભરી હોવાનું કહેતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ (ભારતીયો) ઘણા સારા વ્યાપારી છે, તેઓ બહુ સારા વાટાઘાટકાર છે. અમેરિકા ખાતેના અમેરિકી રાજદૂત નવતેજ સરનાને બિરદાવતાં કહ્યું હતું કે તેઓ સૌથી બહેતર છે અને તેથી સ્તો અમે કામ કરી રહ્યા છીએ અને સાથે આગળ વધી રહ્યા છીએ. હું ઘણા જ ટૂંક સમયમાં સરનાને સાથે વાતચીત કરનાર છુ.
આગામી તા. 30મી અને પહેલીએ આર્જેન્ટિનામાં યોજાઈ રહેલી જી-20 શિખર સંમેલનમાં મોદી અને ટ્રમ્પ ભાગ લેનાર છે અને તેઓ વચ્ચે બેઠક યોજાવા સંભાવના છે. વ્હાઈટ હાઉસમાંની દિવાળી ઉજવણી દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે `અમને તમારો દેશ પસંદ છે, વડા પ્રધાન મોદી માટે મારા મનમાં બેહદ સમ્માન છે. મહેરબાની કરી મારા તરફથી તેમને હાર્દિક શુભકામના પહોંચાડશો. મોદી હવે (મારી પુત્રી) ઈવાન્કાના ય મિત્ર છે. આપણા દેશો વચ્ચેના સંબંધો સ્વતંત્રતા, સમૃદ્ધિ અને શાંતિની રક્ષા માટે બંધની પેઠે કામ કરે તેમ છે. ભારત-અમેરિકા, સંબંધોના એક સર્વશ્રેષ્ઠ દોરમાંથી પસાર થઈ રહ્યા છે.'
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer