વડા પ્રધાન વિશે શશી થરુરના નિવેદન સામે ભાજપની તીખી પ્રતિક્રિયા

વડા પ્રધાન વિશે શશી થરુરના નિવેદન સામે ભાજપની તીખી પ્રતિક્રિયા
``નહેરુના પ્રતાપે ચા વેચનારા દેશના વડા પ્રધાન બની શક્યા''
 
કૉંગ્રેસ પક્ષ એક પરિવારથી આગળ વિચારી જ નથી શકતો : જાવડેકર
 
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 14 : ભાજપે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરુરના નરેન્દ્ર મોદીને લગતા નિવેદનને લઈને કૉંગ્રેસ પર ઉગ્ર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પક્ષ એક જ પરિવાર ગાંધી-નહેરુની આગળ કંઈ વિચારી શકતો નથી.
કૉંગ્રેસના નેતા શશી થરુરે અત્રે એક પુસ્તક વિમોચન સમારંભમાં કહ્યું હતું કે, દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ લોકતાંત્રિક માળખું ઊભું કર્યું એટલે નરેન્દ્ર મોદી જેવો ચાવાળો દેશનો વડા પ્રધાન બની શક્યો છે. આ કાર્યક્રમમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી પણ હાજર રહ્યાં હતાં.
ભાજપના વરિષ્ઠ નેતા અને માનવ સંસાધન વિકાસ ખાતાના પ્રધાન પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, આશ્ચર્ય એ વાતનું છે કે, કૉંગ્રેસને એક જ પરિવારની આગળ કશું દેખાતું નથી. તેઓ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવોનાં નામ નથી લેતા. બધી બાબતો માટે તેઓ માત્ર નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનું નામ શા માટે લે છે?
જાવડેકરે જણાવ્યું હતું કે, આપણા દેશમાં લોકતાંત્રિક વ્યવસ્થા છે તો તેનું મૂળ કારણ આપણું બંધારણ છે અને તે બાબાસાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં ઘડાયું હતું અને એ બંધારણીય સત્તામાં ઘણા નેતાઓ હતા જેમણે લોકતાંત્રિક વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. પરંતુ કૉંગ્રેસ પાર્ટી માત્ર નહેરુ-ગાંધી પરિવારનું નામ લે છે. મોદી સરકાર જવાહરલાલ નહેરુની વિરાસતનું ઓછું મૂલ્યાંકન કરે છે એવા સોનિયા ગાંધીના આક્ષેપને ભાજપે નકારી કાઢ્યો હતો.
જાવડેકરે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના કોઈ પણ વડા પ્રધાનની વિરાસતને ઓછી આંકી નથી પરંતુ તેમણે વારંવાર એવું કહ્યું છે કે, ભારતના વિકાસમાં તમામ વડા પ્રધાનોનું યોગદાન રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer