ઉત્પાદક રાજ્યોમાં અપૂરતા વરસાદથી કઠોળના ભાવમાં ઉછાળો

બેંગલોર/ અમદાવાદ, તા. 16 : તુવેર અને અડદ સહિતનાં કઠોળના ભાવ બે એક વર્ષ દબાયેલા રહ્યા બાદ છેલ્લા બે અઠવાડિયાથી તેમાં નવેસરથી ઉછાળો જોવાયો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને ગુજરાત જેવાં કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં અપૂરતો વરસાદ થવાથી તુવેર, મગ, ચણા અને અડદ જેવા કઠોળના ભાવમાં છેલ્લા બે અઠવાડિયામાં 10-20 ટકાનો વધારો નોંધાયો છે.
તુવેરના ભાવ અૉક્ટોબરની મધ્યમમાં ક્વિન્ટલ દીઠ રૂા. 3500-3600 ચાલતા હતા તે હવે વધીને રૂા. 4500 બોલાય છે. ચણા અને અડદ પણ રૂા. 4000થી વધીને રૂા. 5000 સુધી પહોંચી ગયા છે.
મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં ચોમાસું નબળું રહેવાથી તુવેરના ઊભા માલને નુકસાન થયું છે જ્યારે ચણાના પાકના સંયોગો ધૂંધળા બન્યા છે. વેપારીઓ અને ખેડૂતોના અંદાજ અનુસાર ઘણા વિસ્તારોમાં તુવેરનો પાક આ વર્ષે ગયા વર્ષના મુકાબલે 50 ટકા ઓછો ઊતરવાની શક્યતા છે.
આ વર્ષે નૈઋઍત્ય ચોમાસાના વરસાદમાં એકંદરે નવ ટકાની ઘટ જોવાઈ હતી, પરંતુ મરાઠવાડામાં તે 22 ટકા, વિદર્ભમાં 8 ટકા અને ઉત્તર કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં 29 ટકા હતી. મહારાષ્ટ્રના 150 અને કર્ણાટકના 100 તાલુકાઓને દુકાળગ્રસ્ત જાહેર કરાયા છે.
દેશમાં તુવેરના કુલ પાકમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકનો સામટો હિસ્સો 40 ટકા જેટલો છે. તુવેરનો પાક 2016-'17માં 48.7 લાખ ટનથી ઘટીને 2017-'18માં 42.5 પાક 2016-'17માં 48.7 લાખ ટનથી ઘટીને 2017-'18માં 42.5 લાખ ટન થઈ ગયો હતો. કૃષિ મંત્રાલયના પ્રાથમિક અંદાજો અનુસાર આ વર્ષે તે વધુ ઘટીને 40.8 લાખ ટન થશે. જોકે, વેપારી સૂત્રોના કહેવા અનુસાર મોટા ભાગના ઉત્પાદક વિસ્તારોમાં છેલ્લા બે મહિનાથી બિલકુલ વરસાદ પડયો ન હોવાથી તુવેરનો પાક 35 લાખ ટનથી વધારે નહીં હોય. નવા પાકની આવકો 15 ડિસેમ્બરથી શરૂ થશે.
ગુજરાતમાં આ વર્ષે વરસાદમાં 23 ટકાનો ઘટાડો થવાથી અડદનો વાવેતર વિસ્તાર 1.30 લાખ હેક્ટરથી ઘટીને 1.07 લાખ હેક્ટર થયો છે. ગુજરાત સરકારના પ્રાથમિક અંદાજો અનુસાર રાજ્યમાં અડદનો પાક ગયાં વર્ષના 93,000 ટનથી ઘટીને 75,000 ટન થવાની ધારણા છે. ખેડૂતોના કહેવા મુજબ ખરીફ પાકની આવકો શરૂ થઈ ગઈ છે અને વિવિધ બજારોમાં ભાવ રૂા. 3750થી રૂા. 5880 જેવા બોલાય છે. અડદ માટે આ વર્ષે ટેકાનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂા. 5600 ઠરાવાયો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer