બ્રેક્ઝિટની અસરથી સોનામાં સુધારો

બ્રેક્ઝિટની અસરથી સોનામાં સુધારો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 16 : યુરોપીયન યુનિયનમાંથી બ્રિટન અલગ થઇ જશે તેવા ભય વચ્ચે સલામત રોકાણની માગ ખૂલવાથી સોનામાં સુધારો આવ્યો હતો. ન્યૂયોર્કમાં સોનું 1217 ડોલરની એક અઠવાડિયાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. યુ.કે.ના વડા પ્રધાન થેરેસા મે એ બ્રેક્ઝિટ પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. સરકારમાંથી કેટલાક ચાવીરૂપ પ્રધાનોએ રાજીનામા આપી દીધાં પછી આ નિર્ણય લેવાયો છે.
 યુરોસિસેપ્ટિક સાંસદોએ થેરેસાને સત્તા ઉપરથી હટાવવાના તમામ પ્રયાસો કામે લગાડી દીધા છે. એ કારણે એવું જણાય છે કે યુરોપમાંથી બ્રિટનને નીકળી જવું પડશે. વિશ્લેષકો કહે છે, ભૂરાજકીય કટોકટીને લીધે સોનાનો ભાવ ઘટયા પછી ફરી વધ્યો છે. છતાં સોનું ગયા અઠવાડિયાની તુલનાએ 2 ટકા જેટલું હજુ ઘટેલું છે. ટૂંકા ગાળામાં સોનાનો ભાવ સાંકડી રેન્જમાં અથડાઇ જવાની ધારણા છે. 1192 અને 1223 ડોલર નાના સમયગાળાની રેન્જ ગણવામાં આવે છે. બન્નેમાંથી કોઇ એક રેન્જ તૂટે તે તરફની વધઘટ થશે.
દરમિયાન રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનું 10 ગ્રામે રૂ. 31,950ની સપાટીએ સ્થિર હતુ. મુંબઇમાં રૂ. 80 વધીને રૂ. 31,100 હતું. ચાંદી ન્યૂયોર્કમાં 14.28 ડોલર હતી. રાજકોટમાં કિલોએ રૂ. 37,300 હતી. મુંબઇમાં રૂ. 220 વધતા રૂ. 36,760 હતી.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer