રૂપિયા અને વિદેશી મૂડીના ટેકે સુધારો જળવાયો

રૂપિયા અને વિદેશી મૂડીના ટેકે સુધારો જળવાયો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.16 : વિદેશી ભંડોળનો પ્રવાહ અને રૂપિયો મજબૂત બનતાં સતત બીજા દિવસે સ્થાનિક શૅરબજારો વધ્યાં હતાં. સેન્સેક્ષ 196.62 પોઈન્ટ્સ (0.56 ટકા) વધીને 35,457.16 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 65.50 પોઈન્ટ્સ (0.62 ટકા) વધીને 10,682.20 ઉપર બંધ રહ્યો હતો. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શૅર 2.79 ટકા વધ્યો હતો. રિલાયન્સનું માર્કેટ કૅપિટલાઈઝેશન (એમ-કૅપ) શુક્રવારે $7,14,668.54 કરોડ થતાં તેણે તાતા કન્સલટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના $7,06,292.61 કરોડના એમ-કૅપને પાછળ મૂક્યું છે. તાતા સન્સની બોર્ડ મિટિંગ પહેલાં જેટ એરવેઝનો શૅર આઠ ટકા વધ્યો હતો. રિલાયન્સ જિઓ પ્રિપેઈડ તેમજ પોસ્ટપેડ ગ્રાહકો માટેના ટેરિફમાં વધારો કરશે એવા રિપોર્ટના પગલે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાના શૅર્સમાં ઉછાળો આવ્યો હતો. ભારતી એરટેલનો શૅર 9.81 ટકા વધીને $333.60 ઉપર બંધ રહ્યો હતો, જ્યારે વોડાફોન ઈન્ડિયાનો શૅર 16.42 ટકા વધીને $42.90 ઉપર બંધ રહ્યો હતો. 
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી, એચડીએફસી બૅન્ક, ભારતી એરટેલ, સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને ટીસીએસના શૅર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે યસ બૅન્ક, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને ઈન્ફોસિસના શૅર્સમાં વેચવાલી જોવા મળી હતી. 
અજંતા ફાર્માના ઓપન ઈન્ટરસ્ટ કૉન્ટ્રાક્ટમાં સૌથી મોટો વધારો 27.20 ટકાનો નોંધાયો હતો, એ પછી શ્રેઈ ઈન્ફ્રા (25.72 ટકા), રેપકો હોમ (24.42 ટકા) અને યસ બૅન્ક (22.80 ટકા) હતા.  વોડાફોન ઈન્ડિયા, જેટ એરવેઝ, યસ બૅન્ક, આરકોમ, ઈન્ફિબિમ અને પીસી જ્વેલર વોલ્યુમની દૃષ્ટિએ સૌથી વધુ સક્રિય હતા, જ્યારે મૂલ્યની દૃષ્ટિએ જેટ એરવેઝ, યસ બૅન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈસીઆઈસીઆઈ બૅન્ક સૌથી વધુ સક્રિય હતા. 
એનએસઈમાં આઠ કંપનીઓના શૅર્સ બાવન અઠવાડિયાની ઉપલી સપાટીને સ્પર્શ્યા હતા, જેમાં અતુલ લિ., બજાજ હોલ્ડિંગ્સ, ડિવિ'સ લેબ, આઈસીઆઈસીઆઈ બૅન્ક અને આઈઓએલ કેમિકલ્સનો સમાવેશ થાય છે. બીજી બાજુ એબીસી શિપયાર્ડ, એસેલ્યા કાલે સોલ્યુશન્સ, ડિક્સન ટેકનોલોજીસ, હોટેલ લીલા વેન્ચર્સ અને એમ્પી ડિસ્ટીલરીઝ બાવન અઠવાડિયાના તળિયે પહોંચ્યા હતા. 
બીએસઈનો ટેલીકોમ ઈન્ડેક્સ 6.27 ટકા વધ્યો બતો, એ પછી ટેક 1.07 ટકા, હૅલ્થકૅર 0.51 ટકા, એફએમસીજી 0.47 ટકા, આઈટી 0.31 ટકા વધ્યા હતા. બીજી બાજુ બીએસઈમાં મેટલ ઈન્ડેક્સ 1.59 ટકા અને ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 0.50 ટકા ઘટયા હતા.   
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer