સોમવારથી વિધાનમંડળના સત્રમાં અવનિના મોત અને મરાઠાઓના અનામતનો મુદ્દો ગાજશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : મહારાષ્ટ્રમાં સોમવારથી શરૂ થતા વિધાનગૃહોના શિયાળુ અધિવેશનમાં પછાત વર્ગોના પંચ દ્વારા મરાઠાઓને અનામત અંગેનો અહેવાલ, 151 તાલુકામાં દુકાળ અને માનવભક્ષી વાઘણ અવનિની હત્યા જેવા મુદ્દાઓ ગાજશે.
નાગપુરના બદલે મુંબઈમાં 57 વર્ષ પછી શિયાળુ અધિવેશન યોજાવાનું છે. આ અધિવેશનમાં આઠ દિવસ કામ થશે. 23મી નવેમ્બરે ગુરુ નાનક જયંતી હોવાથી ગૃહનું કામકાજ કરવું કે કેમ એ વિશે બાદમાં નિર્ણય લેવાશે.
વિધાનગૃહોમાં નવ નવા વિધેયકો રજૂ થવાના છે. તેમાં જીએસટીમાં સુધારો, ગ્રામ પંચાયતની ચૂંટણીઓ અન કો-અૉપરેટિવ હાઉસિંગ સોસાયટી અંગેના વિધેયકો રજૂ થશે. તે ઉપરાંત અગાઉ રજૂ થયેલા આઠ વિધયકો હજી પેન્ડિંગ છે.
મુખ્ય પ્રધાન ફડણવીસે મરાઠાઓને આંદોલનને બદલે પહેલી ડિસેમ્બરે ઉજવણી કરવાના સંકેતો આપ્યા છે. તેના કારણે માનવામાં આવે છે કે ભાજપના વર્ચસ હેઠળની સરકાર મરાઠાઓને આરક્ષણ આપવા સંબંધી બધી પ્રક્રિયા 30મી નવેમ્બર પહેલાં પૂરી કરી દેવાની  ગણતરી રાખે છે.
અહીં ઉલ્લેખનીય છે કે મરાઠા આરક્ષણ માટેના આંદોલન ટાણે ગત અૉગસ્ટમાં ફડણવીસે પછાત વર્ગોના પંચનો અહેવાલ આવે પછી તેને મંજૂરી આપવા એક માસમાં જ વિધાનગૃહોનું વિશેષ અધિવેશન બોલાવવામાં આવશે.
મહારાષ્ટ્રમાં અપૂરતા વરસાદને કારણે આ વરસે દુકાળની સમસ્યા ઊભી થઈ છે. વડા પ્રધાન મોદીએ તાજેતરમાં તેમની શિરડીની મુલાકાત દરમિયાન વિધાન કર્યું હતું કે મહારાષ્ટ્રના 16,000 ગામડાં દુકાળમુક્ત થયાં છે તે વિધાનની વિપક્ષો સતત ટીકા કરી રહ્યા છે.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer