મીડિયા સમક્ષ વિશ્વસનીયતા જાળવવાનો પડકાર : જેટલી

અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 16 : કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ આજે અત્રે જણાવ્યું હતું કે આજના મુક્ત સમાજમાં મીડિયા એટલે કે સમાચાર જગત સમક્ષ પોતાની શાખ અને વિશ્વસનીયતા જાળવી રાખવાનો મોટો પડકાર છે.
ભારતીય પ્રેસ પરિષદના નેજા હેઠળ અત્રે રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર આયોજિત એક સમારંભમાં જેટલીએ જણાવ્યું હતું કે આજે વર્તમાન સમયને કટોકટી જેવો સમય કહેવાની ફૅશન ચાલે છે, પરંતુ જો કટોકટી લાગુ કરાય તો તે તત્કાળ ધ્વસ્ત થઈ જશે. આપણા દેશમાં જ્યારે કટોકટી (ઇમર્જન્સી) લાગુ થઈ હતી તો તેની સૌથી મોટી તાકાત પ્રેસ સેન્સરશિપ હતી. આજના ટેક્નિકલ અને ઔદ્યોગિક યુગમાં પ્રેસ સેન્સરશિપ દાખલ કરી શકાય નહીં, કારણ કે આજે માહિતી અને જાણકારીના આદાનપ્રદાનના વિભિન્ન સ્રોતો ઉપલબ્ધ છે જે દ્વારા સમાચાર, ખબર, જાણકારી, સૂચના તત્કાળ ઉપલબ્ધ થઈ શકે છે.
જેટલીએ જણાવ્યું હતું કે આજના મુક્ત સમાજમાં મીડિયા એટલે કે સમાચાર જગતની સામે સૌથી મોટો પડકાર પોતાની સાખ અને વિશ્વસનીયતા જાળવવાનો છે જેથી તે દેશમાં જનમત બનાવવામાં પોતાની ભૂમિકા પ્રભાવી રીતે પહેલાંની જેમ ચાલુ રાખી શકે. આ અવસરે ભારતીય પ્રેસ પરિષદ તરફથી હિન્દુના સંપાદક એન. રામને પત્રકારત્વ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેટલીએ તેમને આ એવૉર્ડ અર્પણ કર્યો હતો.
ભારતીય પ્રેસ પરિષદના અધ્યક્ષ ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ ચંદ્રમૌલી પ્રસાદકુમારે પીસીઆઈના કાર્યગૌરવની જાણકારી આપી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer