હિજરત બાદ સ્થળાંતરિત મજૂરો ગુજરાત પાછા ફરી રહ્યા છે

હિજરત બાદ સ્થળાંતરિત મજૂરો ગુજરાત પાછા ફરી રહ્યા છે
છઠ્ઠપૂજા બાદ પુનરાગમન!
અમદાવાદ, તા. 16 : થોડા સમય પહેલાં રાજકીય વિવાદ સર્જાયા બાદ ગુજરાત છોડી ગયેલા બિહારના વેલ્ડર અજિતકુમાર સિંહ છેવટે તેના કામના સ્થળે ધોળકા પાછો ફર્યો છે. `િહજરતી મજૂરો અને કામદારો પર હુમલા થતા હોવાના સમાચાર સાંભળ્યા બાદ હું કોઈ પણ જોખમ વહોરી લેવા માગતો ન હતો અને તેથી મારી સગર્ભા પત્નીને લઈ મેં વારાણસી જતી ફ્લાઇટ પકડી લીધી હતી અને ત્યાંથી પટણાના મારા વતનમાં જઈ પહોંચ્યો હતો અને હવે બધું પૂર્વવત્ થતાં ધોળકા પાછો આવી ગયો છું.'
ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ શ્યામસિંહ ઠાકુરના જણાવવા મુજબ `લગભગ મહિના પહેલાં ઉત્તર ભારતમાંથી આવેલા 70,000 જેટલા મજૂરો ગુજરાતમાંથી નાસી છૂટયા હતા. જોકે, તે પૈકી 8000થી વધુ હવે પાછા ફર્યા છે અને બીજા પણ ઘણા પોતાના કામધંધાનાં સ્થળે પાછા ફરવા માગે છે. છઠ્ઠપૂજા તાજેતરમાં જ સંપન્ન થઈ છે અને કેટલાક કામદારો પહેલાં જ પાછા આવી પોતાના વ્યવસાયમાં લાગી ગયા છે. અમે તેમની સાથે સંપર્કમાં છીએ. અંદાજે પખવાડિયામાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.'
દરમિયાન પટણાસ્થિત શ્રીરામપુર ગામમાંથી આવનારા અજિતકુમાર સિંહે કહ્યું હતું કે `અમારા માલિકોએ અમને અહીં સુરક્ષા માટેની ખાતરી આપી હોવાને કારણે જ અમે પાછા અહીં આવ્યા છીએ.' અજિત લગભગ 15 દિવસ બાદ તેના કારખાનાના સ્થળે પાછો ફર્યો છે.
બિહારના એક હિજરતી મજૂરે કથિતપણે એક 14-મહિનાની બાળકી પર બળાત્કાર ગુજાર્યો જેને પગલે મહિના પહેલાં ઠાકોર સેનાએ આપેલી ધમકીઓ તેમ જ કરેલા છૂટાછવાયા હુમલાઓથી ગભરાઈ અહીં કામ કરનારા ઉત્તર ભારતના અનેક મજૂરો-કામદારોએ પોતાના વતન જવા ઉચાળા ભર્યા હતા અને ગુજરાતમાં ઔદ્યોગિક અશાંતિ જેવી સ્થિતિ સર્જાવાની સાથોસાથ રાજકારણમાં ગરમાટો આવ્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer