ભિક્ષુકે દિવાળીમાં થયેલી લાખોની કમાણીનું દાન કર્યું ગરીબ કન્યાઓને

ભિક્ષુકે દિવાળીમાં થયેલી લાખોની કમાણીનું દાન કર્યું ગરીબ કન્યાઓને
દિવાળી તથા વાર-તહેવારે લોકો ભિક્ષુકોને દાન આપતા હોય  છે, પરંતુ કોઈ ભિક્ષુક પોતાને મળેલી આવી રકમનું જરૂરિયાતમંદોને દાન કરે તો આશ્ચર્ય થાય. તાજેતરમાં મહેસાણામાં આવો કિસ્સો બન્યો છે. મહેસાણાના હાઇવે પાસે ભીખ માગતા ખીમજી પ્રજાપતિ ઉર્ફ ગોદડિયાબાપુએ દિવાળીમાં મળેલા રૂપિયામાંથી ત્યાંની સરકારી શાળામાં ભણતી ગરીબ કન્યાઓને નવાં પુસ્તકો અને કપડાં આપવાનો નિર્ણય કર્યો છે. 
મૂળ રાજકોટના વતની ખીમજી વર્ષો અગાઉ વરલી મટકાનો ધંધો કરતા હતા. તેમના ખિસ્સા હંમેશાં ભરેલા રહેતા અને રૂઆબ પણ ભારે હતો.  કોઇ જુગારી હારી જાય તો ખીમજી પઠાણી ઉઘરાણી કરતા. એક દિવસ મોટી રકમ હારી ગયેલા જુવાનને તેમણે ધમકી આપી. ત્યાર બાદ ત્રણ દિવસ સુધી તે યુવક ન દેખાતા તેઓ તેના ઘરે ગયા. ત્યાં જુવાને આત્મહત્યા કરી હોવાના સમાચાર મળતા તેમને આઘાત લાગ્યે. તેમણે પોતાના ખિસ્સાના બધા જ પૈસા એ જુવાનની પત્નીને આપીને રાજકોટ છોડી દીધું અને રખડતા રખડતા મહેસાણા પહોંચ્યા. ત્યાં એક મંદિરના ઓટલે ભૂખ્યા તરસ્યા પડયા રહ્યા હતા. બાજુમાં મંદિર હતું.  મંદિરે આવતા-જતા લોકોએ તેમના મેલાંઘેલાં કપડાં જોઇને ભીખ આપવાનું શરૂ કર્યું. ખીમજીએ ભીખ તરીકે મળેલા પૈસામાંથી ખાવાપીવા માટે જોઇતા વાપર્યા અને બાકીના ગરીબોને આપી દીધા. તે દિવસથી ભીખમાં મળેલા પૈસાને દાનમાં આપવાનો તેમનો ક્રમ શરૂ થયો. લોકોને જ્યારે તેમની આ પ્રવૃત્તિની જાણ થઇ ત્યારે તેઓ તેમને વધુ દાન આપવા લાગ્યા. ખીમજી માત્ર એક ગોદડી પહેરીને ફરતા હોવાથી ગોદડિયાબાપુ તરીકે જાણીતા થયા. તેઓ કેટલાય ગરીબોને મદદરૂપ બન્યા હોવાથી જાણીતા બનતા ગયા અને કેટલીક સંસ્થાઓએ તેમને એવૉર્ડ અને ઇનામ પણ આપ્યાં છે, પરંતુ તેઓ આ એવૉર્ડ વેચીને તથા ઇનામની રકમ પણ ગરીબ વિદ્યાર્થીઓને દાનમાં આપવા લાગ્યા હતા. 
હાલમાં દિવાળીએ ગોદડિયાબાપુને ભીખમાં  રૂપિયા ત્રણ લાખ જેટલી રકમ મળી છે. તેમણે આ રકમ સરકારી શાળામાં ભણતી ગરીબ કન્યાઓને કપડાં તથા પુસ્તકો આપવામાં ખર્ચવાનો નિર્ણય કર્યો છે. આમ તેમની દિવાળીની કમાણી કન્યાઓના જીવનને ઉજ્જવળ બનાવવામાં સમાશે.
હ ભાર્ગવ પરીખ

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer