હાશ ! ત્રણ દિવસ બાદ આખરે સફાઈ કામદારોની હડતાળ પાછી ખેંચાઈ

હાશ ! ત્રણ દિવસ બાદ આખરે સફાઈ કામદારોની હડતાળ પાછી ખેંચાઈ
કાંદિવલીથી દહિસર સુધીના વિસ્તારોમાં આજથી ડમ્પરો કચરો ઉઠાવશે 
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.16 : કાંદિવલીથી દહિસર સુધીના વિસ્તારમાં કચરો ઉઠાવતા ડમ્પરોના સફાઇ કામદારોની ત્રણ દિવસથી ચાલી રહેલી હડતાળમાં આજથી મુંબઈના તમામ 24 વૉર્ડના સફાઇ કામદારો જોડાતા શહેરભરમાં કચરાના ઢગલા ખડકાયા હતા. જો કે આજે પ્રશાસન અને કામદાર નેતાઓ વચ્ચેની બેઠક બાદ આ હડતાળ પાછી ખેંચાયાના સમાચાર મોડી રાત્રે મળ્યા છે. 
સફાઇ કામદારોના કામ બંધ આંદોલનના પગલે આજે શહેરના કોઇ વિસ્તારમાંથી કચરો લઇ જવાયો નહોતો. મોડી સાંજે પાલિકાના પૂર્વનાં પરાં વિસ્તારના અતિરિક્ત કમિશનર વિજય સિંગલ અને સ્થાયી સમિતિના અધ્યક્ષ યશવંત જાધવ તેમ જ મજદૂર નેતાઓ વચ્ચે બેઠક થઇ હતી. જેમાં કામદારોના પ્રશ્નોના ઉકેલની ખાતરી પ્રશાસને આપ્યા બાદ હડતાળ પાછી ખેંચાઇ હતી. કામદાર નેતા મિલિંદ સાળવીએ કહ્યું હતું કે કૉન્ટ્રેક્ટર કંપનીએ કચરો ઉઠાવી જતાં ડમ્પરોની સંખ્યા ઘટાડી છે, જે પૂર્વવત કરાશે અને જે કામદારોની બદલી કરાઇ છે તેમને પોતાના મૂળ સ્થાને લેવાશે, એવી ખાતરી પ્રશાસને આપી છે. બુધવારે સ્થાયી સમિતિની બેઠકમાં આ મુદે ચર્ચા કરીને યોગ્ય પગલાં લેવાની ખાતરી પણ પ્રશાસને આપી હોવાથી અમે હડતાળ પાછી ખેંચીને આવતી કાલથી નિયમિત કામે લાગી જશું.  
પાલિકા પ્રશાસને કર્મચારીઓને વિશ્વાસમાં લીધા વગર જ કોન્ટ્રેક્ટરની નિમણૂક કરી હોવાનું કહીને પાલિકા મજદૂર કામગાર સેનાના મહામંત્રી સંજય વાઘના જણાવ્યા પ્રમાણે પાલિકાના હંગામી અને કાયમી કર્મચારીઓની બદલી અન્યત્ર કરી નાખવામાં આવતી હોવાથી આ આંદોલન શરૂ કરાયું છે.   
પાલિકાએ કચરો ઉઠાવવાનો કોન્ટ્રેક્ટ નવી કંપનીને આપ્યો હોવાથી પાલિકાના કાયમી અને કૉન્ટ્રેક્ટ પર કામ કરતા સફાઇ કામદારોની એકથી બીજા વૉર્ડમાં બદલી થતાં આ કર્મચારીઓ નારાજ થયા છે. સાળવીના જણાવ્યા પ્રમાણે નવાં કોન્ટ્રેક્ટરે કચરો ઉઠાવનારા લગભગ વીસ ટકા વાહનો (ડમ્પરો) ઓછા કરી નાખતા ડમ્પરોમાં કચરાનું લોડિંગ-અન લોડિંગ કરતા પાલિકાના સેંકડો કાયમી અને હંગામી સફાઇ કર્મચારીઓ પાસેથી કામ છીનવાયું હતું. આ કર્મચારીઓને અન્ય વૉર્ડમાં અન્ય કામે લગાવાતા તેઓ નારાજ છે. પાલિકા પ્રશાસન સમક્ષ આ કર્મચારીઓએ અનેક વાર ફરિયાદો કર્યા છતાં પાલિકાએ કોઇ જ પગલાં ન લેતા આ સફાઇ કામદારોએ કામ બંધ આંદોલન શરૂ કર્યું છે. છેલ્લા બે દિવસથી કાંદિવલી, બોરીવલી અને દહિસર વિસ્તારના સફાઇ કામદારોએ આ હડતાળ શરૂ કરી હતી તેથી આ વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા છે અને હવે પાલિકાના તમામ વૉર્ડના કામદારો તેમાં જોડાતા હાલત વણસી હતી.પાલિકા પ્રશાસનના વિરોધમાં સફાઇ કામદારો બુધવારથી આક્રમક બનીને આઝાદ મેદાનમાં ધરણા પર પણ ઉતરી પડયા હતા.
છેલ્લા ત્રણ દિવસથી દહિસરમાં ઠેર-ઠેર કચરાના ઢગ ખડકાતા નગરસેવકો રસ્તા પર ઉતર્યા હતા, તેના પરિણામે પાલિકાને કચરો ઉઠાવવાની ફરજ પડી હતી. 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer