સબરીમાલાના કપાટ ખૂલ્યાં : વિરોધ બાદ તૃપ્તિ દેસાઈએ મંદિરમાં પ્રવેશ માંડી વાળ્યો

સબરીમાલાના કપાટ ખૂલ્યાં : વિરોધ બાદ તૃપ્તિ દેસાઈએ મંદિરમાં પ્રવેશ માંડી વાળ્યો
ઍરપોર્ટ ઉપર જ હજારો લોકોના ટોળાએ મહિલાઓનો કર્યો વિરોધ
કોચ્ચિ, તા. 16 : કેરળના પ્રસિદ્ધ સબરીમાલા મંદિરના કપાટ શુક્રવારે સાંજે 6 વાગ્યે દર્શન માટે ખુલ્યા હતા. હિંદૂવાદી પ્રદર્શનકારીઓના ભારે વિરોધના કારણે કેરળના ચર્ચિત સબરીમાલા મંદિરમાં દર્શન માટે પહોંચેલી સામાજીક કાર્યકર તૃપ્તિ દેસાઈ અને અન્ય છ મહિલાઓએ એરપોર્ટ ઉપરથી જ પુણે પરત ફરવાનો નિર્ણય કરી લીધો હતો. તૃપ્તિ દેસાઈ અને અન્ય મહિલાઓ એરપોર્ટ ઉપર આવતાની સાથે જ આરએસએસ અને ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ શરૂ કર્યો હતો. જેના કારણે એરપોર્ટથી બહાર તેઓ નિકળી શક્યા નહોતા. 
સબરીમાલા મંદિરના કપાટ ખુલવાના એક દિવસ અગાઉ તૃપ્તિ દેસાઈએ અન્ય છ મહિલાઓ સાથે મંદિરમાં પ્રવેશવાનું એલાન કર્યું હતું. જેને પગલે આજે સવારથી જ મંદિર આસપાસ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ તૃપ્તિ દેસાઈ મહિલાઓ સાથે એરપોર્ટ ઉપર પહોંચી ત્યારે 100 જેટલા લોકોના ટોળાએ ભારે વિરોધ કર્યો હતો અને જોતજોતામાં આ ટોળુ હજારો લોકોનું બન્યું હતું.  ભાજપના પ્રવક્તા શોભા સુરેન્દ્રને કહ્યું હતું કે, તૃપ્તિ દેસાઈને મુખ્યમંત્રી જેવા નાસ્તિકોનું સમર્થન છે. જેઓ એક મહિલાને મંદિરમાં પ્રવેશવા દેવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. બીજી તરફ પોલીસની અપીલ છતા પણ તૃપ્તિ દેસાઈએ મંદિરમાં પ્રવેશ કર્યા સિવાય પરત ન ફરવાની જીદ પકડી હતી. જો કે મોડી સાંજે પુણે પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer