આંધ્ર પ્રદેશમાં સીબીઆઈને નો એન્ટ્રી

આંધ્ર પ્રદેશમાં સીબીઆઈને નો એન્ટ્રી
અમરાવતી, તા. 16  : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈમાં ચાલી રહેલા ઘમાસાણ અને ટીડીપી વડા તથા મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને કેન્દ્ર સરકાર વચ્ચેના ગજગ્રાહ દરમ્યાન આંધ્રપ્રદેશ સરકારે રાજ્યમાં સીબીઆઈ માટે દરવાજા બંધ કરવાનો નિર્ણય લઈને સૌને ચોંકાવ્યા છે. ચંદ્રાબાબુ નાયડુની સરકારે રાજ્યમાં સીબીઆઈના સીધા હસ્તક્ષેપ પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રદેશ સરકારે દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટેબ્લિશ્મેન્ટ એક્ટ-1946 હેઠળ એ સમજૂતીને પરત ખેંચી લીધી છે જેના હેઠળ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટેબ્લિશ્મેન્ટના સભ્યોને રાજ્યમાં પોતાની શક્તિઓ અને અધિકાર ક્ષેત્રનો ઉપયોગ કરવાની અનુમતિ આપવામાં આવી છે.
આંધ્રના આ નિર્ણય બાદ હવે સીબીઆઈ રાજ્યની સીમા અંદર કોઈ પણ મામલામાં સીધી દખલ આપી શકશે નહીં. રાજ્ય સરકારે હવે સીબીઆઈની અનુપસ્થિતિમાં સર્ચ, રેઈડ કે તપાસનું કામ લાંચ રુશવત વિરોધી બ્યૂરો (એસીબી) દ્વારા કરાવવાનો નિર્ણય કર્યો છે. આ આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે સીએમ ચંદ્રાબાબુ નાયડુના સીબીઆઈના દુરુપયોગના આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટીડીપી નેતા એલ. દિનાકરે કહ્યું કે સીબીઆઈ દ્વારા છેલ્લા છ મહિનામાં કરાયેલી ગતિવિધિઓના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સંસ્થાએ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના હસ્તક્ષેપને કારણે સ્વતંત્રતા ગુમાવી દીધી છે એવો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે નાયડુએ વીતેલા દિવસો દરમ્યાન એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર તેમનાથી વ્યક્તિગત પ્રતિશોધ લેવા માટે રાજ્યને `સમાપ્ત' કરવાનું કાવતરું કરી રહી છે. નાયડુએ એવી પણ આશંકા દર્શાવી હતી કે પ્રદેશના પૂજા સ્થળો પર આવનારા દિવસોમાં હુમલા થઈ શકે છે. નાયડુએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે બિહાર અને અન્ય રાજ્યમાંથી ગુંડાઓને કાનૂન-વ્યવસ્થા ખરાબ કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.
આ વર્ષે માર્ચમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારથી સંબંધ તોડયા બાદથી નાયડુ આરોપ લગાવતા રહ્યા છે કે કેન્દ્ર સીબીઆઈ જેવી એજન્સીઓનો ઉપયોગ રાજનૈતિક વિરોધીઓને નિશાન બનાવવામાં કરી રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer