`ગાંધી પરિવારના બહારના''ને કૉંગ્રેસપ્રમુખ બનાવો : મોદી

`ગાંધી પરિવારના બહારના''ને કૉંગ્રેસપ્રમુખ બનાવો : મોદી
નેહરુને લીધે ચાવાળા પીએમ બન્યા એવા નિવેદનના વળતા વારમાં વડા પ્રધાનનો કૉંગ્રેસને પડકાર
અંબિકાપુર, તા. 16 (પીટીઆઈ): નેહરુને કારણે એક ચાયવાળા વડાપ્રધાન બની શક્યા એવા કોંગ્રેસના બયાનનો જવાબ આપતાં નરેન્દ્ર મોદીએ આજે જો જવાહરલાલ નેહરુએ ખરેખરી લોકતાંત્રિક વ્યવસ્થા ઊભી કરી હોય તો પરિવારથી બહારના કોઈને પક્ષના પ્રમુખ બનાવવાનો પડકાર ફેંક્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે એક ગરીબ માતાનો પુત્ર દેશનો વડાપ્રધાન બની ગયો એ વાત ગાંધી પરિવાર હજીય પચાવી શક્યો નથી. 
છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે એક ચૂંટણીસભાને સંબોધતાં મોદીએ પોતે વડાપ્રધાન બની શક્યા એનું શ્રેય જનતાને આપવાને બદલે નેહરુને આપવાના મુદ્દે વિપક્ષો પર પ્રહારો
કર્યા હતા. 
નોટબંધી સામે કોંગ્રેસે ઉઠાવેલા સવાલો પર વળતો વાર કરતાં વડાપ્રધાને કહ્યું હતું કે એક ઝાટકે પથારી નીચે અને કોથળાઓમાં ભરી રાખેલા નાણાં દૂર થઈ ગયા એ પગલાંથી તેઓ હજીય હચમચી રહ્યા છે. 
મોદીએ રાહુલને નિશાન બનાવીને કહ્યું હતું કે તમારા દાદીમાએ ગરીબી હટાવવાનું જણાવ્યું હતું પણ એવું થયું નહીં. મોદીએ નિર્મલબાબા સાથે કોંગ્રેસની તુલના કરતાં કટાક્ષ કર્યો હતો કે ટીવી પર એક બાબા આવે છે જે કહે છે કે જલેબી ખાવ તમારા પર કૃપા વરસશે કોંગ્રેસવાળાઓ આવા જ બાબા બની ગયા છે. તેઓ કહે છે કે એક વાર આંગળી દબાવી દો તમારી  કૃપા થઈ જશે. કોંગ્રેસની 4 પેઢીએ શું કામ કર્યું એનો હિસાબ આપવો જોઈએ. હું તો 4 વર્ષનો હિસાબ હંમેશાં આપતો રહું છું. કોંગ્રેસની ચાર પેઢી અને એક ચાયવાળાએ દેશને શું આપ્યું એનો મુકાબલો ભલે થઇ જાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer