પ્રત્યેક મૃતકના કુટુંબને 10 લાખની મુખ્ય પ્રધાનની ઘોષણા : ચક્રવાતે સર્જ્યો નીચાણવાળા ભાગોમાં ભારે વિનાશ
ચેન્નાઈ, તા. 16 : દક્ષિણ ભારતીય રાજ્ય તામિલનાડુના કાંઠા પર કલાકના 120 કિલોમીટર જેટલી ઘાતક ગતિએ ત્રાટકેલા ખતરનાક ગાજા ચક્રવાતે રાજ્યમાં 22 જણનો ભોગ લીધો હતો. મુખ્યપ્રધાન કે. પલાનીસ્વામીએ મૃતકોના પ્રત્યેક પરિવારને મુખ્યમંત્રી જાહેર રાહત ભંડોળમાંથી રૂા. 10 લાખના વળતરની ઘોષણા કરી હતી.
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે તામિલનાડુના મુખ્યપ્રધાન સાથે રાજ્યના ચક્રવાતગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા વાત કરતાં પરિસ્થિતિને પહોંચી વળવા કેન્દ્ર તરફથી તમામ સંભવ મદદની ધરપત આપી હતી.
રાજ્યના નાગાપટ્ટીનમ અને નજીકના વેદારાન્નીયમ વચ્ચેના કાંઠાળ ક્ષેત્રમાં ગાજા ત્રાટકતાં ભારે વરસાદના કારણે સંદેશાવ્યવહાર તેમજ વીજપુરવઠો ઠપ થયા હતા. આપત્તિ બાદ મુખ્યમંત્રીના નિર્દેશથી બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ હતી.
શુક્રવારની વહેલી સવારે ગાજા ચક્રવાત ત્રાટકતાં 22 જણનાં મોત થયાં હતાં. નીચાણવાળા વિસ્તારોમાંથી 80 હજાર કરતાં વધુ લોકોને સલામત સ્થળે લઈ જવાયા હતા. કાંઠાળ ભાગોમાં ભારે વરસાદથી જનજીવન હેરાન થઈ ગયું છે. નાગાપટ્ટીનમ અને કરાઈકલ જિલ્લાના વિવિધ ભાગોમાં ચક્રવાતથી તોફાની પવનના પગલે સેંકડો વૃક્ષ તેમજ વીજથાંભલા જમીનદોસ્ત થઈ ગયા હતા. લોકોને 331 રાહત શિબિરોમાં પહોંચાડી દેવાયા હતા.
રાષ્ટ્રીય આપત્તિ પ્રતિસાદ દળ (એનડીઆરએફ)ની ચાર ટીમો ચક્રવાતગ્રસ્ત જિલ્લાઓના વિવિધ ભાગોમાં તૈનાત કરી દેવાઈ હતી.
દરમ્યાન, ગાજા ચક્રવાતની ચપેટમાં આવતા ગંભીર હદે ઘાયલ થયેલા પ્રત્યેક માટે રૂા. એક લાખ અને સામાન્ય ઈજા થઈ છે તેમને રૂા. 25 હજારના વળતરની ઘોષણા મુખ્યપ્રધાને કરી હતી.
તામિલનાડુમાં `ગાજા''નો કેર : 22નાં મોત
