ટીમ ઇન્ડિયા સતત આઠમી ટી-20 શ્રેણી કબજે કરવા મેદાને પડશે

ટીમ ઇન્ડિયા સતત આઠમી ટી-20 શ્રેણી કબજે કરવા મેદાને પડશે
આજથી અૉસ્ટ્રેલિયા સામે શરૂ થઈ રહેલી ત્રણ મૅચની ટી-20 શ્રેણીમાં ભારતનું પલડું ભારે : મેચ બપોરે 1-20થી શરૂ થશે
 
બ્રિસ્બેન, તા.20: વિશ્વ ક્રિકેટના બે ચર્ચિત પ્રતિસ્પર્ધી વચ્ચે આવતીકાલ બુધવારથી 3 મેચની ટી-20 ઇન્ટરનેશનલ સિરીઝનો પ્રારંભ થશે ત્યારે મેદાન બહાર અને અંદર સંઘર્ષમાંથી પસાર થઇ રહેલ ઓસ્ટ્રેલિયાની ટીમ પર ભારતનું પલડું ભારે રહેશે. એડિલેડમાં 6 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ 4 ટેસ્ટની શ્રેણીમાં પોતાનો દાવો મજબૂત કરવાના લક્ષ્ય માટે ભારતનો ઇરાદો ટી-20 શ્રેણી જીતવાનો રહેશે. ટીમ ઇન્ડિયા નવેમ્બર 2017થી અત્યાર સુધી સતત સાત ટી-20 શ્રેણી જીતી ચૂકી છે. તેને છેલ્લે 2017 જુલાઇમાં વેસ્ટ ઇન્ડિઝે ટી-20 શ્રેણીમાં હાર આપી હતી. પાછલા ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ભારતે 3-0થી ટી-20 શ્રેણી કબજે કરી હતી. આથી ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ બુલંદી પર હશે. બીજી તરફ ઓસિ. હજુ સુધી બોલ ટેમ્પરિંગ કાંડના કલંકમાંથી બહાર આવી શકી નથી. સ્મિથ અને વોર્નર વિનાની કાંગારુ ટીમ નબળી પડી ગઇ છે અને જીતના માર્ગેથી ભટકી ચૂકી છે. આવતીકાલે રમાનાર પહેલો ટી-20 મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1-20 વાગ્યાથી શરૂ થશે.
સ્મિથ-વોર્નર પરના પ્રતિબંધ બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ એક પણ ટી-20 શ્રેણી જીતી શકી નથી. જૂનમાં ઇંગ્લેન્ડે હાર આપી હતી. ઝિમ્બાબ્વેમાં રમાયેલ ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં પાકિસ્તાન સામે પરાજય થયો હતો. બાદમાં યુએઇમાં પાકે. 3-0થી સફાયો કર્યો હતો. આ પછી આફ્રિકા સામે પણ હાર થઇ હતી. 
ભારતીય ટીમમાં સુકાની વિરાટ કોહલીની વાપસી થઇ છે. તેને વિન્ડિઝ સામે વિશ્રામ અપાયો હતો. કોહલીના પુનરાગમનથી ટીમ ઇન્ડિયા વધુ મજબૂત બની છે. એરોન ફિંચના સુકાનીપદ હેઠળની ઓસિ. ટીમ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટધરો પર કેવો અંકુશ મૂકી શકે છે તે જોવું રહ્યંy, કારણ કે મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ભારત પાસે રોહિત શર્મા જેવો વિસ્ફોટક બેટધર અને શિખર ધવન જેવો આક્રમક ઓપનર છે. તો કોહલી કિંગ છે. 
બ્રિસ્બેનની બાઉન્સી વિકેટને ધ્યાને રાખીને ભારત ચહલ અને કુલદિપમાંથી એક નિયમિત સ્પિનર સાથે મેદાને પડી શકે છે. ભારતે તેના 12 ખેલાડી જાહેર કરી દીધા છે. જેમાં યુવા રીષભ પંતને વિકેટકીપરની જવાબદારી સોંપાઇ છે. જ્યારે દિનેશ કાર્તિક એક બેટસમેનના રૂપમાં ટીમમાં સામલે થયો છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, કે.એલ. રાહુલ, દિનેશ કાર્તિક, રીષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડયા, યજુર્વેન્દ્ર ચહલ, કુલદિપ યાદવ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહમદ.
ઓસ્ટ્રેલિયાની ટીમ: એરોન ફિંચ (કેપ્ટન), એસ્ટોન અગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કારે, નાથન કોલ્ટર નાઇલ, ક્રિસ લિન, બેન મેકડોરમોટ, ગ્લેન મેક્સવેલ, ડીઆર્સી શોર્ટ, બિલી સ્ટેનલેક, માર્કસ સ્ટોઇનિસ, એન્ડ્રૂ ટાય, અને એડમ ઝમ્પા.
કોહલીસેના પાછલી 12માંથી 11 મૅચ જીતી છે
ટી-20માં આઇસીસી ટીમ ક્રમાંકમાં ભારત 127 પોઇન્ટ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 118 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે. બંને વચ્ચે કુલ 15 ટી-20 મેચની ટક્કર થઇ છે. જેમાં ભારતને 10 મેચમાં જીત મળી છે. જ્યારે ઓસ્ટ્રેલિયાના ખાતામાં 5 રહી છે. ભારતીય ટીમે પાછલા 12માંથી 11 મેચ જીત્યા છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમ સતત ચાર મેચ હારી ચૂકી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer