આઈટી શૅરો ઘટાડામાં મોખરે રહ્યા

આઈટી શૅરો ઘટાડામાં મોખરે રહ્યા
સેન્સેક્ષ 300 પૉઇન્ટ ઘટયો
 
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 20 : શૅરબજાર આજે શરૂઆતથી નીચા ગેપમાં ખૂલીને સતત નકારાત્મક સંકેતોએ ટ્રેડિંગ અંતે પ્રત્યાઘાતી ઘટાડાએ બંધ રહ્યું હતું. વોલ સ્ટ્રીટમાં આઈટી શૅરોમાં કડાકાને લીધે એશિયન બજારો ઘટયાં હતાં. આની સાથે રૂપિયામાં સુધારો પ્રેરાતા અહીં બજારમાં ટેક્નૉલૉજી શૅરોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ આરબીઆઈની ગઈ કાલે 9 કલાક ચાલેલી બેઠકના અંતે પણ સમાધાનકારી કોઈ નક્કર ફોર્મ્યુલા આવી નહીં તેથી સ્થાનિકમાં એનએસઈ ઉપર નિફ્ટી અગાઉના બંધ 10,763થી નીચે ગેપમાં 10,740 ખૂલીને એક તબક્કે 10,640 સુધી નીચે ઉતરીને ટ્રેડિંગ અંતે 107 પોઇન્ટ ઘટાડે 10,656 બંધ રહ્યો હતો. બીએસઈ ઉપર સેન્સેક્ષ 300 પોઇન્ટ ઘટાડે 35,475 બંધ રહ્યો હતો.
આજનો ઘટાડો તીવ્ર હોવાથી એનએસઈ ઉપર માત્ર મુખ્ય 7 શૅરના ભાવ ટકી શક્યા હતા.જ્યારે બાકીના 43 શૅરના ભાવ ઘટયા હતા. જેમાં મુખ્યત્વે રૂપિયાની મજબૂતીથી ટેક શૅરો, આરબીઆઈની નક્કર જાહેરાતની અભાવે બૅન્કિંગ, ફાઇનાન્સ, ઓટોમોબાઇલ શૅરો અને મેટલ શૅરોમાં ગાબડા નોંધાયા હતા. ક્રૂડતેલમાં સ્થિર ભાવ છતાં અૉઇલ માર્કેટિંગ કંપનીઓના શૅરો પણ ઘટ્યા હતા.
આજે ઘટાડાની આગેવાની લેનાર શૅરોમાં ટિસ્કો રૂા. 19, હિન્દાલ્કો રૂા. 12, જેએસડબ્લ્યુ સ્ટીલ રૂા. 8, ટીસીએસ રૂા. 24, ઇન્ફોસીસ રૂા. 10, એચસીએલ ટેક રૂા. 31, ટેક મહિન્દ્રા રૂા. 23, ઇન્ડસઇન્ડ બૅન્ક રૂા. 20, યસ બૅન્કના ડિરેક્ટરે રાજીનામું આપવાથી શૅર રૂા. 13 ઘટયો હતો. જ્યારે એક્સિસ, કોટક અને એસપીઆઈ સમગ્ર રીતે રૂા. 4થી 5 ઘટયા હતા. વાહન શૅરોમાં મારુતિ રૂા. 77, બજાજ અૉટો રૂા. 13, આઇશર મોટર્સ રૂા. 301, અલ્ટ્રાટેક રૂા. 55, સાથે એચડીએફસી અને ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ અનુક્રમે રૂા. 22 અને રૂા. 27  ઘટયા હતા. આજે મેટલ ઇન્ડેક્સ 2.8 ટકા અને આઈટી ઇન્ડેક્સ 2.2 ટકા નબળા હતા.
બજાર સમીક્ષકોના કહેવા પ્રમાણે આજનો ઘટાડો આગળ વધે તેમ જણાય છે. પરિણામોની મોસમ પૂરી થઈ હોવાથી મજબૂત નવા ટ્રીગરના અભાવે બજારમાં નબળાઈ તરફી તીવ્ર વધઘટના આસાર પ્રબળ છે.
વ્યક્તિગત શૅરોમાં અદાણી ગૅસના શૅર પર નિયંત્રણ હઠાવી દેવાતા શૅરનો ભાવ 4.8 ટકા ઉછળ્યો હતો. એનલિસ્ટોના અનુમાન પ્રમાણે બજારમાં મથાળે મજબૂત ફંડામેન્ટલના શૅરો સાચી વેલ્યુએશને દરેક ઘટાડે તબક્કાવાર ખરીદી શકાય.
વૈશ્વિક-એશિયન બજારો
અમેરિકામાં ટેક્નૉલૉજી શૅરોમાં મોટા ગાબડા પડવાથી વોલસ્ટ્રીટમાં ઘટાડો આવ્યો હતો. ટેક્નૉલૉજીની માગ ઘટવાના સંકેતોને લીધે તેની અસરથી યુરોપ અને એશિયાની બજારોમાં નોંધપાત્ર ઘટાડા આવ્યો હતો. આજે એમએસસીઆઈ બ્રોડેક્સ ઇન્ડેક્સ (એશિયા પેસિફિક) 1.2 ટકા ઘટયો હતો. સીએલ ખાતે સેમસંગ કંપનીનો શૅર 2 ટકા અને એસકે હાઇનેક્સ 3.5 ટકા ઘટાડે હતા. જપાન ખાતે ટોક્યો ઇલેક્ટ્રોન 1.8 ટકા, એડવાન્ટેસ્ટમાં 2.7 ટકા જ્યારે સોની કોર્પમાં 3.1 ટકા ઘટાડો નોંધાયો હતો. જેથી જપાન ખાતે નિક્કી 1.1 ટકા ઘટયો હતો. નિસ્સાન મોટર 5 ટકા ઘટ્યો હતો. કંપનીના અધ્યક્ષ કાર્લોસ ઘોનની નાણાકીય ગેરરીતિનો આક્ષેપમાં ધરપકડ થતા શૅર ગગડયો હતો.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer