ડૉલર સામે રૂપિયો ત્રણ મહિનાની ઊંચી સપાટીએ

ડૉલર સામે રૂપિયો ત્રણ મહિનાની ઊંચી સપાટીએ
રિઝર્વ બૅન્કની નાણાકીય પ્રવાહિતા વધારવાની ઘોષણાથી રૂપિયો મજબૂત
 
મુંબઈ, તા. 20 (એજન્સીસ) : વિદેશી ભંડોળનો પ્રવાહ વધવાથી યુએસ ડૉલર નબળો પડવાથી અને ક્રૂડતેલના ભાવ ઘટવાથી ભારતીય રૂપિયો મંગળવારે 29 પૈસા સુધરી 3 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નાણાભીડ હળવી કરવા રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાએ ઓપન માર્કેટ અૉપરેશન્સ મારફત રૂા. 8000 કરોડના બોન્ડ ખરીદવાની સોમવારે જાહેરાત કરતાં તેની પણ સકારાત્મક અસર થઈ હતી. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બૅન્ક વચ્ચે તણાવ ઘટવાથી પણ રૂપિયાને ટેકો મળ્યો છે.
મંગળવારે ખૂલતી બજારમાં રૂપિયો 29 પૈસા સુધરી રૂા. 71.38 થયો હતો, જે 3 મહિનાની ઊંચી સપાટી હતી. ઈન્ટરબૅન્ક ફોરેન એક્સ્ચેન્જમાં સ્થાનિક કરન્સી રૂા. 71.39 ખૂલી વધી રૂા. 71.38 થઈ હતી, જે તા. 4 સપ્ટેમ્બર પછીની સૌથી ઊંચી સપાટી હતી. અગાઉ સોમવારે ગ્રીન બૅન્ક સામે 26 પૈસા સુધરી રૂા. 71.67 થયો હતો, જે 10 સપ્તાહની ઊંચી સપાટી હતી.
એફઆઈઆઈએ તા. 19 નવેમ્બરે રૂા. 1103.36 કરોડના શૅરોની ખરીદી કરી હતી, જ્યારે બીજી બાજુ ડીઆઈઆઈએ રૂા. 310.26 કરોડની વેચવાલી કાઢી હતી.
ભારતીય ચલણ માટે રૂા. 70.70 અને રૂા. 69.63 ઊંચી સપાટીના મહત્ત્વના લેવલ ગણાય છે, જ્યારે નીચી સપાટીએ રૂા. 72.85 સપોર્ટ લેવલ ગણાય છે.
વૈશ્વિક બજારોમાં ચલણોની બાસ્કેટ સામે ડૉલર બે સપ્તાહની નીચી સપાટીએ ઊતરી ગયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer